એમ.જી. હોસ્ટેલમાં શાકમાંથી મરેલું જીવડું નીકળતા હોબાળો

રાજકોટના લાકાવાડ રોડ પરની એમ.જી. હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અને હાઈજીન કન્ડિશન જાળવવા મામલે વિદ્યાર્થીઓમાં છેલ્લા ઘણા સમયથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓએ જમવામાં ભારે અસ્વચ્છતા હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે. ત્યારે આજે બપોરે જમતી વખતે શાકમાં મરેલું જીવડું નીકળવાની સાથે જ સડેલી ડુંગળી-બટેટા વાપરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે છાત્રોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી તાત્કાલિક અસરથી ભોજનનો કોન્ટ્રાક્ટ રદ્દ કરવાની માગ કરી છે.

હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી કરણ કંટારિયાએ કહ્યું કે, આજે (15 સપ્ટેમ્બર) બપોરે મારી ડિશમાંથી જીવડું નીકળ્યું હતું. અમે અગાઉ પણ ફૂડ હાઈજીન મામલે વારંવાર રજૂઆતો કરી છે, છતાં અધિકારીઓ દ્વારા કોઈ સખત પગલાં લેવાયા નથી. રસોડાની હાલત ખૂબ જ ખરાબ છે અને હાઈજીન જરાય મેન્ટેન થતું નથી. જીવડું નીકળ્યા બાદ પણ જવાબદારો માત્ર રજૂઆત કરવાનું કહીને આખો મામલો દબાવી રહ્યા છે. વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાથી આ કોન્ટ્રાક્ટર સામે સખત પગલાં લેવામાં આવે અથવા તેનો કોન્ટ્રાક્ટ પાછો ખેંચવામાં આવે તેવી અમારી માગ છે.

સતીશ સિંધવ અને સિદ્ધાર્થ જોશીનું વલણ વિદ્યાર્થીઓ પ્રત્યે અયોગ્યઃ હિરેન વાંજા
એમ.જી. હોસ્ટેલના અન્ય વિદ્યાર્થી વાંજા હિરેને આક્ષેપ કરતા જણાવ્યું કે, અહીં વારંવાર નબળી ગુણવત્તાના ભોજન સહિતના પ્રશ્નો બને છે. રજૂઆત કરવા છતાં અધિકારીઓ કોઈ એક્શન લેતા નથી. અહીં આશાપુરા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ છે, પરંતુ કોન્ટ્રાક્ટર હાજર રહેતા નથી અને તેના માણસો કોઈ જવાબદારી લેતા નથી. અધિકારીઓ સતીશ સિંધવ અને સિદ્ધાર્થ જોશીનું વલણ વિદ્યાર્થીઓ પ્રત્યે યોગ્ય નથી. તેઓ રજૂઆત વખતે પોલીસ બોલાવીને ધમકાવવાનો પ્રયાસ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *