રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માત્ર 15 વર્ષ અને 9 મહિનાની એક સગીર વયની કિશોરી રહસ્યમય રીતે લાપતા થતાં ચકચાર મચી ગઈ છે. ઘરની સામે જ રહેતી સખીના ઘરેથી ચંપલ લેવા જવાનું કહીને નીકળેલી દીકરી મોડી સાંજ સુધી પરત ન ફરતાં ચિંતિત પરિવારે આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન સગીરાએ એક અજાણ્યા નંબર પરથી માતાને ફોન કરીને “મને શોધતા નહીં, તમને માતાજીના સમ છે” કહીને કૉલ કટ કરી દેતાં પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. જે નંબર પરથી કૉલ આવ્યો હતો તે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ નજીકની એક હોટેલના કર્મચારીનો હોવાનું ખૂલતાં રિક્ષાચાલક પિતાની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે અપહરણનો ગુનો નોંધી સઘન તપાસ શરૂ કરી છે.
સુરત બસ સ્ટેન્ડ નજીકની હોટેલમાંથી કર્યો હતો ફોન ઘટનાની વિગતો મુજબ, ગત 7 સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે 2:30 વાગ્યાની આસપાસ સગીરા ઘરેથી નીકળી હતી. ત્યારબાદ 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે આશરે 1:15 વાગ્યે પરિવારના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં દીકરીએ અત્યંત ટૂંકી વાતચીતમાં પોતાને ન શોધવા બાબતે પરિવારને માતાજીના સમ આપી દીધા હતા. પરિવારે તાત્કાલિક તે જ નંબર પર ફરી સંપર્ક કરતાં સામેથી સુરત બસ સ્ટેન્ડ પાસે આવેલી એક હોટેલના કર્મચારીએ જણાવ્યું કે, આ કિશોરીએ ઘરે વાત કરવા માટે તેનો ફોન માંગ્યો હતો અને વાત પૂરી થતાં જ તે ત્યાંથી ક્યાંક ચાલી ગઈ હતી. પરિવારે સુરતમાં રહેતા સગા-સંબંધીઓ મારફતે હોટેલ તેમજ આસપાસના વિસ્તારોમાં તપાસ કરાવી હોવા છતાં તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.
પોલીસે અપહરણની શંકા સાથે શોધખોળ તેજ કરી લાપતા થયેલી સગીરા આશરે સાડા ચાર ફૂટ ઊંચાઈ ધરાવે છે અને ઘરેથી નીકળી ત્યારે તેણે કાળા રંગનો પંજાબી ડ્રેસ પહેરેલો હતો. કોઈ અજાણ્યો શખ્સ સગીરાને લલચાવી, ફોસલાવી કે બદકામ કરવાના ઈરાદે ભગાડીને સુરત તરફ લઈ ગયો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ. એન. પટેલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી સુરત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે સગીરાને સુરક્ષિત શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.