રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી વધુ એક વખત છતી થઈ છે, જેમાં ઘંટેશ્વર વિસ્તારમાં મુખ્ય રસ્તાના લેવલ કરતા ડ્રેનેજના ઢાંકણાં વધુ પડતા ઊંચા રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રસ્તામાં ઊંચા ડ્રેનેજ કવરના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો મોટો ભય ઊભો થયો હતો. ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે અહીંથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલકનું વાહન રસ્તા પર ઊંચા ડ્રેનેજના ઢાંકણા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે તંત્રની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો.
મનપાનાં સિટી ઈજનેર કુંતેશ મહેતાએ જણાવ્યું હતું કે, આપના માધ્યમથી આ વીડિયો ધ્યાનમાં આવતા તરત જ ત્યાં તપાસ કરવામાં આવી હતી. જોકે રસ્તા કરતા ડ્રેનેજનાં ઢાંકણા ઉંચા છે તે રસ્તાની એકદમ સાઈડમાં છે. તેમજ આ રસ્તો ટીપી રોડ નથી. જેને લઈને હજુ તેનો કબજો મનપાને સોંપવામાં આવ્યો નથી. ત્યાં કોર્ટ મેટર પણ ચાલી રહી હોવાથી હાલ કોઈ પગલાં લેવા શક્ય નથી. છતાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરવામાં આવશે.