ગાંધીનગરના કુડાસણ ખાતે રાત્રિના 9 વાગ્યા આસપાસ ‘બોસકી ધ એમ્પાયર’ની કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નિર્માણાધીન બે બિલ્ડિંગ વચ્ચેનો સ્લેબ (ધાબું) ધરાશાયી થતાં 15 લોકો કાટમાળમાં દટાયા હતા. તમામનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું. જેમાંથી 12 લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે 3 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ ‘બોસકી ધ એમ્પાયર’ ગ્રુપના બિલ્ડરનું નામ નિલેશ મોદી છે, જેઓ પેથાપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા. નિલેશ મોદી તેમની દીકરી બોસ્કીના લગ્ન પ્રસંગે શિકાગો હોવાની માહિતી મળી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઘટનાસ્થળેથી 100 ટન જેટલો બિલ્ડિંગનો કાટમાળ હટાવવો પડશે.
ડેપ્યુટી CM હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રેસ્ક્યુ કરાયેલા શ્રમિકોને એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રશાસનને અગાઉથી એલર્ટ કરી દેવામાં આવ્યું હતું, જેથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઇમરજન્સી સારવાર, જરૂરી સર્જરી અને પ્રાથમિક ઉપચાર વિના વિલંબે મળી રહે. તબીબી ટીમો સતત દર્દીઓની સ્થિતિનું મોનિટરિંગ કરી રહી છે.
ઘટનાસ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી તેજ ઘટનાસ્થળે લોખંડના સળિયા, સેન્ટ્રિંગ પ્લેટ્સ અને સિમેન્ટ-કોંક્રિટનો ભારે કાટમાળ હોવાથી ગાંધીનગર અને આસપાસની ફાયર ટીમો ઉપરાંત SDRF અને NDRFની મદદ લેવામાં આવી છે. સ્થળ પર હાઇડ્રોલિક ક્રેઈન, જેસીબી અને ગેસ કટર જેવા અત્યાધુનિક સાધનોની મદદથી ભારે માળખાને હટાવવાની કામગીરી ચાલુ છે.