રાજકોટ શહેરના નવા રિંગરોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં બેદરકારી મામલે મનપાએ મોટી કાર્યવાહી કરી છે. બે ઈજનેરને સસ્પેન્ડ કરાયા છે. જ્યારે ડેપ્યુટી કમિશનર અને સિટી ઈજનેરને મ્યુ. કમિશનરે કારણદર્શક નોટિસ ફટકારી છે. નાયબ ઈજનેર વી. સી. કારીયા અને આસી.ઈજનેર વિશાલ વાગડીયા નામનાં ઇજનેરોને સસ્પેન્ડ કરાયા છે. આ ઉપરાંત, ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણી અને સિટી ઈજનેર કુંતેશ મહેતાને પણ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.
બ્રિજના કામમાં ક્ષતિઓ સહિતના મામલે કાર્યવાહી નવા રિંગરોડ ઉપર કટારીયા ચોકડી પાસે અલગ અલગ ત્રણ નાના બ્રિજ 40 કરોડના અંદાજિત ખર્ચથી તૈયાર થઈ રહ્યા છે. જેમાં કામમાં બેદરકારી, બ્રિજના કામમાં ક્ષતિઓ સહિતના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. ગંભીર બેદરકારી ખુલ્લી પડતાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. અયોગ્ય એલાઇનમેન્ટ, નબળી ગુણવત્તા અને કામમાં ભારે વિલંબ થયો હતો. બેકબોન કન્સ્ટ્રક્શન કંપનીને પણ નોટિસ અપાઈ છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ 150 ફૂટ રિંગ રોડ પર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા નિર્માણાધીન ત્રણ બ્રિજના કામોની રૂબરૂ સ્થળ મુલાકાત લીધી હતી. કમિશનરે બ્રિજની કામગીરીની પ્રગતિ, નિર્માણની ગુણવત્તા, સ્થળ પર ઉપલબ્ધ મેન પાવર, સાઈટ મોનિટરિંગ અને પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા અંગે ખૂબ જ ઝીણવટભરી અને વિગતવાર સમીક્ષા કરી હતી.
ચકાસણી દરમિયાન વર્કમેનશીપનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો આ ત્રણ બ્રિજ (BR-2, BR-3 અને BR-4)ના વાઈડનિંગ કામગીરીની ચકાસણી દરમિયાન પ્રાથમિક દ્રષ્ટિએ જ વર્કમેનશીપનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો. જેમાં કામગીરીની નબળી ગુણવત્તા અને સ્થળ ઉપર જોવા મળેલી ક્ષતિઓને ગંભીરતાથી લઈને મનપા કમિશનરે તાત્કાલિક અસરથી પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટને સમગ્ર કામગીરીનો ટેકનિકલ સર્વે કરીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો.