GPSC દ્વારા વહીવટી અધિકારી વર્ગ-2ની ભરતી માટેની 8 ઓગસ્ટે જનરલ નોલેજની પરીક્ષા બાદ આજે (6 સપ્ટેમ્બર) બીજા તબક્કાની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. અમદાવાદના 25 પરીક્ષા કેન્દ્રો પર 8 જગ્યા માટે 20 હજારથી વધુ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત અને કડક ચેકિંગ વચ્ચે પરીક્ષા પૂર્ણ થતાં ઉમેદવારોએ રાહત અનુભવી હતી.
પેપર લાંબું અને તાર્કિક પૂછાયું, સમય ઘટ્યો પરીક્ષા કેન્દ્રો પર મેટલ ડિટેક્ટરથી ચેકિંગ, હોલ ટિકિટ ચકાસણી અને પારદર્શક બોટલ પરના સ્ટીકર હટાવીને જ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સવારે 11થી 1 વાગ્યા દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં જાહેર વહીવટ, વહીવટી કૌશલ્ય, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અને નાણાકીય વ્યવસ્થાપન જેવા વિષયો આવરી લેવાયા હતા. ઉમેદવારોના જણાવ્યા અનુસાર, પ્રશ્નપત્ર અપેક્ષા કરતાં વધુ લાંબુ અને તાર્કિક હોવાથી સમય ઓછો પડ્યો હતો. આ સાથે જ વહેલીતકે પરિણામ જાહેર કરી ખાલી પડેલી જગ્યાઓ વહેલી તકે ભરવા ઉમેદવારોએ સરકાર પાસે માગ કરી છે.
નોકરીની સાથે તૈયારી કરવી ખૂબ અઘરીઃ પરીક્ષાર્થી ઉમેદવાર કાન્હા ચુનારાએ જણાવ્યું કે, હું છેલ્લા ઘણા સમયથી પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. અત્યારે સચિવાલયમાં ઓસિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છું, જેમાં થોડી પાબંધીઓ હોવાના કારણે પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખી છે. સમય પણ તે જ પ્રકારે મેનેજ કરવો પડતો હોય છે.