સાસુએ કહ્યું- ‘તું મરી કેમ નથી જતી’

રાજકોટ શહેરના પીરવાડી વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતી 36 વર્ષીય પરિણીતાએ સાસરી પક્ષના અસહ્ય શારીરિક-માનસિક ત્રાસ અને મહેણાં-ટોણાંથી કંટાળીને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. 18 વર્ષના લગ્નજીવન બાદ પણ સાસુ દ્વારા ‘તું મરી કેમ નથી જતી’ કહી સતત ત્રાસ અપાતો હોવાથી પરિણીતાએ આ આત્યંતિક પગલું ભર્યું હતું. હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ભોગ બનનાર પરિણીતાની ફરિયાદના આધારે આજીડેમ પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

18 વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા બાદ સાસુ પગાર પડાવી લેતા હતા પીરવાડી નજીક રીંગરોડ બાયપાસ પાસે આવેલ રામ પાર્કમાં ભાઈ-ભાભી સાથે રહેતી શીતલબેન પરમાર (ઉંમર 36 વર્ષ) એ આજીડેમ પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, આશરે 18 વર્ષ પૂર્વે તેણે શિવધારા સોસાયટીમાં રહેતા વિશાલ અમરશી પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. સંતાનમાં 2 પુત્રો છે. લગ્ન બાદ 13 વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં રહેતી વખતે શીતલબેન કારખાનામાં મજૂરીકામ કરી પોતાનો તમામ પગાર સાસુ લાભુબેનને આપી દેતી હતી. આમ છતાં સાસુ કામે જતી વખતે જમવાનું પણ ન આપી સતત હેરાનગતિ કરતા હતા.

પતિ દારૂ પીને મારઝૂડ કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં પતિ-પત્ની ગોકુલધામ ગીતાંજલિ સોસાયટીમાં કારખાનાના શેઠના મકાનમાં ભાડે રહેવા ગયા હતા. જોકે, ગત દિવાળી એટલે કે 20 ઓક્ટોબર 2025 થી સાસુની ચઢામણીના કારણે પતિ વિશાલ નાની નાની બાબતોમાં ઝઘડા કરી મારપીટ કરતો હતો અને ઘરખર્ચના પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું. ગત 17 મે 2026 ના રોજ પતિ દારૂ પીને ઘરે આવ્યો હતો અને મારપીટ કરવાનો પ્રયાસ કરતાં પત્નીએ બચાવમાં ધક્કો માર્યો હતો, જેથી પતિએ ‘હવે તને જાનથી મારી જ નાખીશ’ તેવી ખુલ્લી ધમકી આપીને ઘર છોડી દીધું હતું.

સાસુના કડવા વેણથી કંટાળી ફિનાઈલ પીધું, પોલીસે ગુનો નોંધ્યો પરિણીતાને પોતાના બ્યુટી પાર્લરના વ્યવસાય માટે લોનની જરૂર પડી હતી. અગાઉ લીધેલી એક્ટિવાની લોનમાં પતિનો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવાથી ઓટીપી મેળવવા માટે તે 20 ઓગસ્ટ 2026 ના રોજ સાસુ લાભુબેનના ઘરે ગઈ હતી. ત્યાં સાસુએ ગાળો ભાંડી ‘તું મરી કેમ નથી જતી’ કહી અપમાનિત કરતાં પરિણીતાને ભારે લાગી આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *