સુરતના પોશ અડાજણમાં બોલિવૂડ એકટ્રેસ શ્રદ્ધા કપૂરની જ્વેલરી બ્રાન્ડ ‘પલમોનાઝ’ના શોરૂમમાં ચોરીની સનસનાટીભરી ઘટના સામે આવી છે. વહેલી સવારે તસ્કર શટરનું લોક તોડીને ઘૂસ્યો અને દાગીના લઈને રફુચક્કર થયો હતો.
સમગ્ર વિસ્તાર અને વેપારીઓમાં ભારે ચકચાર મચી ગઈ છે. શ્રદ્ધા કપૂર આ જ્વેલરી બ્રાન્ડમાં સહ-સ્થાપક/પાર્ટનર છે, જેથી આ હાઇપ્રોફાઇલ શોરૂમમાં ચોરીની જાણ થતાં જ અડાજણ પોલીસ કાફલો તેમજ ઉચ્ચ અધિકારીઓ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
લગભગ 20 લાખના ઘરેણાંની ચોરીનું અનુમાન ચોરીની ઘટનાને કલાકો વીતી ગયા હોવા છતાં, જ્વેલર્સ કંપની દ્વારા ચોરી થયેલા મુદ્દામાલનો ચોક્કસ આંકડો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, જ્વેલર્સ તરફથી જણાવવામાં આવ્યું છે કે, આશરે ₹15 થી 20 લાખથી વધુની કિંમતના ઘરેણાંની ચોરી થઈ છે. આ ઉપરાંત, પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરવામાં આવી રહી હોવા છતાં કંપનીએ જણાવ્યું છે કે આ સમગ્ર બાબતે તેમની મુંબઈ સ્થિત હેડ ઓફિસ તરફથી સત્તાવાર માહિતી આપવામાં આવશે.
કાચ તોડી જ્વેલરી સમેટી લીધી, ચોર CCTV કેમેરામાં કેદ આજે(25 ઓગસ્ટ) વહેલી સવારે તસ્કર શોરૂમ પાસે પહોંચ્યો હતો. તેને મુખ્ય શટરનું લોક ટેકનિકલ રીતે ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. શોરૂમની અંદર પ્રવેશ્યા બાદ તસ્કરે ડિસ્પ્લેમાં મુકેલા કાચના બોક્સ તોડી નાખ્યા અને કિંમતી જ્વેલરીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર કરતૂતો શોરૂમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં એક જ શખ્સ અંદર ઘૂસતો સ્પષ્ટ દેખાય છે.