આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ન્યૂયોર્ક પહોંચ્યા. આ તેમની 17 દિવસની ત્રણ દેશોની મુલાકાતનો પ્રથમ પડાવ છે. ન્યૂયોર્કના જેએફકે (JFK) એરપોર્ટ પર ભારતીય મહિલાઓએ તિલક લગાવીને તેમનું સ્વાગત કર્યું.
ભાગવતની આ મુલાકાત આરએસએસ (RSS)ના શતાબ્દી વર્ષના ગ્લોબલ આઉટરીચ કાર્યક્રમ હેઠળ થઈ રહી છે. આરએસએસ (RSS)ના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જ સિલસિલામાં ભાગવત અમેરિકા, કેનેડા અને બ્રિટન જશે.
સંઘના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેઓ ભારતીય મૂળના લોકો અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ’ કાર્યક્રમમાં ભાગ લેશે.
મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન’ કાર્યક્રમનું આયોજન અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) ફોરમ કરી રહ્યું છે. કાર્યક્રમમાં ભાગવતનું સંબોધન પણ થશે.
આ કાર્યક્રમ રક્ષાબંધનના અવસરે આયોજિત કરવામાં આવી રહ્યો છે. આયોજકોના મતે, કાર્યક્રમમાં રક્ષાબંધનની પરંપરાગત ભાવનાને એકતા, નાગરિક જવાબદારી અને વૈશ્વિક સદ્ભાવના સંદેશ સાથે જોડવામાં આવશે. આમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પણ હશે. અલગ-અલગ ધર્મો અને સમુદાયો સાથે જોડાયેલા લોકો પણ સામેલ થશે.