રાજકોટમાં ડેબિટ કાર્ડ પરની પ્રિ-એપ્રુવ્ડ લોનની લોભામણી સ્કીમ બતાવી રોકાણકારો પાસેથી દર મહિને 10 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી 9.61 કરોડ રૂપિયાની જંગી છેતરપિંડી આચરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોઠારીયા રોડ સ્થિત આનંદનગર કોલોનીમાં રહેતા અને ફેબ્રિકેશનનો વ્યવસાય કરતા વેપારી સાગરભાઈ મોરવાડીયા તેમજ તેમના સંબંધીઓ સહિત કુલ 11 લોકો સાથે આ આર્થિક ઠગાઈ આચરવામાં આવી હતી. ભોગ બનનારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (GPID) એક્ટ અને છેતરપિંડીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની મધ્યપ્રદેશના ઈન્દોર ખાતેથી ધરપકડ કરી છે.
રાજકોટ એસીપી બી.જે. ચૌધરીના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 માં ફર્નિચરની દુકાનમાં નોકરી કરતા આરોપી હાર્દિક તુલસીદાસ તન્નાનો પરિચય ફરિયાદી સાગરભાઈ સાથે થયો હતો. આરોપીએ પ્રિ-એપ્રુવ્ડ લોન સ્કીમની સમજ આપી શરૂઆતમાં નાની રકમ પર 20 ટકા જેટલું ઊંચું વળતર નિયમિત ચૂકવીને ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. ભરોસો બેસી જતાં સાગરભાઈએ પોતાની આજીવન બચત, પર્સનલ લોન અને મકાન મોર્ગેજ મૂકીને કુલ 2.70 કરોડ રૂપિયા આરોપીને સોંપી દીધા હતા.
પોતાની છેતરપિંડીની જાળ વધુ મજબૂત કરવા માટે આરોપી હાર્દિકે ઓક્ટોબર 2023 માં શીતલપાર્ક સર્કલ નજીક આર.કે. વર્લ્ડ ટાવરમાં ‘દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ’ નામે એક આલીશાન ઓફિસ શરૂ કરી હતી. ભવ્ય ઉદ્ઘાટન પ્રસંગ યોજીને તેણે ફરિયાદીના 7 કૌટુંબિક ભાઈઓ અને મિત્રો મળીને કુલ 11 લોકોને પોતાની સ્કીમમાં સામેલ કર્યા હતા. આરોપીએ વિશ્વાસ જાળવી રાખવા શરૂઆતમાં બેંક ખાતા મારફતે વળતર પેટે 3.61 કરોડ રૂપિયા ચૂકવ્યા પણ હતા, પરંતુ એકવાર મોટી મૂડી એકત્ર થઈ જતાં તેણે અચાનક વળતર અને મુદ્દલ રકમ પરત કરવાનું સંપૂર્ણ બંધ કરી દીધું હતું.