રાજકોટ મનપા સૌપ્રથમવાર જન્માષ્ટમીમાં ‘સાર્વજનિક મટકીફોડ’ યોજશે

ઉત્સવપ્રિય અને રંગીલા રાજકોટ શહેરના નાગરિકો માટે આગામી જન્માષ્ટમીનો તહેવાર અત્યંત ખાસ અને ચિરસ્મરણીય બની રહેશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની જનતાને એક અદ્ભુત સાંસ્કૃતિક ભેટ આપવાના હેતુથી સૌ પ્રથમ વખત અત્યંત ભવ્ય અને જાજરમાન ‘સાર્વજનિક મટકીફોડ’ કાર્યક્રમનું આયોજન કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધી દેશના અલગ-અલગ રાજ્યોમાં જે ઉત્સાહ અને રોમાંચ મટકીફોડ દરમિયાન જોવા મળતો હતો, તેવો જ કલ્ચરલ માહોલ હવે રાજકોટના આંગણે પણ ઊભો થવા જઈ રહ્યો છે. આ આયોજનથી રાજકોટ મનપા શહેરના તહેવારોના ઉત્સાહને એક નવી જ ઊંચાઈ પર લઈ જવા માટે સજ્જ થઈ રહી છે. આ કાર્યક્રમને વધારે રોમાંચક બનાવવા માટે 30થી 40 ફૂટ જેટલી ઊંચાઈએ મટકી બાંધવામાં આવશે.

રાજકોટમાં પ્રથમ વખત રોમાંચક મટકીફોડનો કાર્યક્રમ મેયર નેહલ શુક્લના જણાવ્યા અનુસાર, મુંબઈ શહેરમાં જે રીતે ભવ્યાતિભવ્ય સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને મથુરા, વૃંદાવન તેમજ રાજસ્થાન જેવા સાંસ્કૃતિક સ્થળોએ વિખ્યાત સાર્વજનિક મટકીફોડનો દિવ્ય ઉત્સાહ જોવા મળે છે, તે તર્જ પર હવે રાજકોટમાં પણ પ્રથમ વખત આ પ્રકારનો ધર્મમય, ભવ્ય અને રોમાંચક મટકીફોડ માટેનો કાર્યક્રમ યોજવાની કવાયત શરૂ કરાઈ છે. રાજકોટની જનતા હંમેશાં તહેવારોને ઉમંગ અને ઉત્સાહથી ઉજવવા માટે જાણીતી છે.

30થી 40 ફૂટ જેટલી ઊંચાઈએ બાંધેલી મટકી ફોડવાની રહેશે આ આયોજનને વધુ આકર્ષક અને રોમાંચક બનાવવા માટે 30થી 40 ફૂટ જેટલી ઊંચાઈએ મટકી બાંધવામાં આવશે. આટલી ઊંચાઈએ બાંધવામાં આવેલી મટકીને ફોડવા માટે અત્યંત પારંગત, તાલીમબદ્ધ અને નિષ્ણાત એવી ખાસ ‘ગોવિંદા મંડળી’ને આમંત્રિત કરવાનું નક્કી કરવામાં આવી રહ્યું છે. ગોવિંદાઓ દ્વારા રચવામાં આવતા માનવ મિનારા અને માનવ સાંકળના સાહસિક દ્રશ્યો રાજકોટવાસીઓ માટે નવો અને અવિસ્મરણીય અનુભવ બની રહેશે. મનપા દ્વારા સુરક્ષાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તાલીમબદ્ધ ટીમોને જ આ કામગીરી સોંપવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

શહેરની વિશાળ અને મોકળાશવાળી જગ્યામાં કાર્યક્રમ યોજાશે વધુમાં વધુ સંખ્યામાં રાજકોટના ઉત્સવપ્રેમી નાગરિકો આ ધર્મમય, રોમાંચક અને ઉત્સાહવર્ધક પ્રસંગમાં એકસાથે જોડાઈ શકે તે હેતુથી શહેરની કોઈ વિશાળ અને મોકળાશવાળી જગ્યા પસંદ કરવામાં આવશે. ભીડનું યોગ્ય વ્યવસ્થાપન થાય અને દરેક નાગરિક આ રોમાંચક દ્રશ્યનો સહેલાઈથી અને સુરક્ષિત રીતે આનંદ માણી શકે તે માટે મનપાના તંત્ર દ્વારા યોગ્ય પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિક અને સુરક્ષા સંબંધિત બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *