બે પિસ્તોલ અને બે રિવોલ્વર સાથે શખસ ઝડપાયો

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આજે(18 ઓગસ્ટ) ચાર હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા આરોપી રીપલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ધીરા કુકડીયાની ધરપકડ કરી તેની પાસેથી ચાર ગેરકાયદે હથિયાર સહીત કુલ 80,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

જયારે PCB દ્વારા વધુ બે ગેરકાયદે હથિયાર સાથે બે આરોપીની ધરપકડ કરી ફરાર એક શખ્સની શોધખોળ હાથ ધરી છે. આમ રાજકોટ શહેર પોલીસે છેલ્લા એક મહિનામાં અલગ-અલગ દરોડા દરમિયાન કુલ 56 ગેરકાયદે હથિયારો ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ગત 25 જુલાઈના રોજ છોટા ઉદયપુરના રીપલ ઉર્ફે વિપુલ કાગડીયાભાઇ રાઠવાની ત્રણ ગેરકાયદે હથિયાર સાથે ધરપકડ કરી હતી અને આ હથિયાર તે સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ગરાંભડી ગામે રહેતા ધીરા મોહન કુકડીયા (ઉ.વ.40)ને આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. જયારે ઊંડાણ પૂર્વક તપાસ કરતા આરોપી રીપલએ અગાઉ પણ ધીરા કુકડીયાને હથિયાર આપ્યા હોવાની કબૂલાત આપતા આજ રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આરોપી ધીરા મોહન કુકડીયાની ધરપકડ કરી છે. આજે વધુ 4 ગેરકાયદે હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે જેમાં બે દેશી બનાવટની પિસ્તોલ અને બે દેશી બનાવટની રિવોલ્વર કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસે આરોપી પાસેથી કુલ 80,000નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *