જેતપુરમાં સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના બોગસ એડમિશન અને અલગ-અલગ સ્કૂલના દસ્તાવેજો મળવાના ગંભીર મામલે વાલીએ DEO કચેરીથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆતો કરી હોવા છતાં હજી સુધી સર્ટિફિકેટમાં સુધારો ન થતાં વાલીએ ન્યાયની માંગ સાથે આંદોલનની ચેતવણી આપી છે.
LC ‘શ્રીજી વિનય મંદિર સ્કૂલ’માંથી મેળવી લેવું જેતપુરના પ્રફુલભાઈ યાદવે પોતાના પુત્ર દેવનું ધોરણ 11 અને 12 સાયન્સમાં એડમિશન જેતપુરના અમરનગર રોડ પર આવેલી એપ્સીલોન સ્કૂલમાં કરાવ્યું હતું. ધોરણ 12 પૂર્ણ થયા બાદ લીવિંગ સર્ટિફિકેટ (LC) માંગવા જતાં શાળાના સંચાલક કુશાલ ચૂડાસમાએ જણાવ્યું કે ભૂતકાળમાં છેડતીના કેસના કારણે સ્કૂલ બંધ થઈ ગઈ હોવાથી LC ‘શ્રીજી વિનય મંદિર સ્કૂલ’માંથી મેળવી લેવું.
જોકે, બાદમાં સામે આવ્યું કે વિદ્યાર્થીને હોલ ટિકિટ ‘કમરીબાઈ હાઈસ્કૂલ’ની મળી હતી, રિઝલ્ટ અને LC ‘શ્રીજી વિનય મંદિર’નું આપવામાં આવ્યું હતું, જ્યારે વાસ્તવિક અભ્યાસ તેણે ‘એપ્સિલોન સ્કૂલ’માં કર્યો હતો. દસ્તાવેજોમાં ઇન્ડેક્સ નંબર અલગ-અલગ હોવાથી વિદ્યાર્થીના ભવિષ્ય પર ડિગ્રી વેરિફિકેશન કે સરકારી તપાસ વખતે મોટું જોખમ ઊભું થયું છે.