ભાયાવદરમાં નાની સિંચાઇ પિયત સહકારી મંડળી મોટીપાનેલીના નેજા હેઠળ પ્રમુખ વલ્લભભાઈ માકડિયાની આગેવાની નીચે ખેડૂતોની વિવિધ પ્રકારની મુશ્કેલીઓના નિવારણ અને ઉકેલ માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી, કૃષિમંત્રી, સાંસદ, ધારાસભ્ય તેમજ કલેકટરને લેખિત સંબોધીને આવેદન આપી આ સમસ્યાના ઉકેલ માટે નાયબ મામલતદારને આવેદનપત્ર અપાયું હતું.
કિસાનોએ આ તકે ખેતરમાં નાખવામા આવતા વીજ થાંભલાનું ચાર ગણું વળતર આપવું અને ઉપલેટાની જેમ ટેકાના ભાવે ખરીફ પાક તેમજ રવિ પાકનું કાયમી ધોરણે ખરીદ કેન્દ્ર ભાયાવદર ગામમાં શરૂ કરવામાં આવે તથા ખાતર, જંતુનાશક દવા, બિયારણ, ટ્રેકટર, ખેતઓજારો તેમજ ખેત ઉપયોગી તમામ વસ્તુઓમાં લાગતા ટેક્સને સંપૂર્ણ નાબૂદ કરવામાં આવે અને ધોરાજી – ઉપલેટા વિસ્તારના ભાયાવદર તથા ગ્રામ્ય કક્ષાએ વેચાતા ડુપ્લીકેટ ખાતર તથા બિયારણના ગોરખધંધા બંધ થાય, ખેડૂતોનું ફાર્મર રજિસ્ટર થયેલું ન હોવાથી સરકાર દ્વારા મળતી કોઈપણ સહાય બાબતે મુશ્કેલી થતી હોવાથી આઇ ખેડૂત પોર્ટલમાં તાત્કાલિક ઘટતું કરવા જેવી માંગણીઓ મૂકીને ખેડૂતોએ રજૂઆત કરી હતી કે આ સમસ્યાઓનો તાકીદે નિવડો લાવવો જરૂરી છે.