રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભાવનગર રોડ પરની ‘રોનક હોટલ’માં કામ કરતા ૫૦ વર્ષીય નેપાળી પ્રૌઢનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજતાં સમગ્ર મામલો ગંભીર બન્યો છે. ચાર મહિનાનો બાકી પગાર માંગવા જેવા નજીવા મુદ્દે હોટલ માલિક સહિતના ચાર શખ્સોએ તેમને ધોકા-પાઈપ વડે બેફામ માર મારી રોડ પર ફેંકી દીધા હતા. બનાવને પગલે આજીડેમ પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
4 મહિનાનો બાકી પગાર માગતાં ઢોરમાર મારી રોડ પર ફેંકી દીધા આ બનાવની વિગત મુજબ નેપાળના વતની ગુમાનસિંહ ઈમાનસિંહ ઠાકુર (ઉં.વ. 50) આજીડેમ ચોકડી પાસે આવેલી રોનક હોટલમાં રહીને કામ કરતા હતા. ગત 22 જુલાઈની રાત્રે તેમણે હોટલના શેઠ કરણભાઈ મહતરા પાસે પોતાના 4 મહિનાના બાકી પગારની માંગણી કરી હતી. આથી ઉશ્કેરાયેલા કરણભાઈએ દીપકભાઈ તથા અન્ય બે અજાણ્યા શખસોને બોલાવી ગુમાનસિંહ પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને હવે પછી પગાર માંગીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
રિક્ષાચાલકે 108ને જાણ કરતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા બેફામ મારના કારણે ગુમાનસિંહ બેભાન થઈ જતાં આરોપીઓએ તેમને હોટલની બહાર રોડની સાઈડમાં ફેંકી દીધા હતા. બીજા દિવસે સવારે એક રિક્ષાચાલકની નજર રોડ કિનારે પડેલા ગુમાનસિંહ પર પડતાં તેમણે 108ને જાણ કરી હતી, જેના દ્વારા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજ રોજ તેમનું આખરે મોત નીપજ્યું હતું.
ફોરેન્સિક પીએમ રિપોર્ટ બાદ કલમોનો ઉમેરો કરાશે મૃતક ગુમાનસિંહને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે, જેઓ પત્ની સાથે વતન નેપાળમાં રહે છે. બનાવ અંગે ગત 24 જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદના આધારે આજીડેમ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી હતી, જેઓ હાલ જામીન પર મુક્ત થયેલા છે. પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ કેસમાં વધુ કડક કલમોનો (હત્યાની કલમ) ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.