ઉપલેટા શહેરમાં આવેલી સ્વામિનારાયણ સોસાયટી અને ડગલી વાડી વિસ્તારના રહીશો પ્રાથમિક સુવિધાઓ ન મળતા ભારે રોષે ભરાયા છે. આ વિસ્તાર ઉપલેટા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ વર્ષાબેન ગજેરાનો પોતાનો વોર્ડ છે.
અહીં છેલ્લા ૩૦ વર્ષથી રોડ ન બનવાને કારણે વરસાદી માહોલમાં ભયંકર કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. લોકોની ધીરજ ખૂટતા રામ મંદિર પાસે મોટી સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ એકઠા થઈને નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિક મહિલાઓએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું હતું કે, રોડ બનાવવા માટે છેલ્લા ત્રણ દાયકાથી તંત્ર દ્વારા માત્ર ખોટી મુદ્દતો જ આપવામાં આવે છે. હાલમાં રસ્તાઓ પર એટલો બધો કાદવ અને ગારો છે કે લોકોનું ઘરમાંથી બહાર નીકળવું અને ચાલીને જવું પણ મુશ્કેલ બની ગયું છે.
બાળકોને શાળાએ મોકલવા અશક્ય બનતા શાળાઓમાં જવાનું બંધ કરી બાળકોને ઘરે બેસાડવાની નોબત આવી છે, જેનાથી તેમનું શિક્ષણ ગંભીર રીતે પ્રભાવિત થયું છે. સમસ્યાના ઉકેલ માટે નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.જેથી મહિલાઓ ઔર રોષે ભરાઇ હતી.
પાલિકા પ્રમુખે ફોન બંધ કરી દેતાં મહિલાઓ વીફરી મહિલાઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી વખતે બપોરના સમયે પણ ઘરે ઘરે મત માંગવા આવતા નેતાઓ અત્યારે મુશ્કેલીના સમયે ગાયબ છે. નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને ફોન કરવા છતાં તેઓ ફોન ઉપાડવાના બદલે બંધ કરી દેતા હોવાનો આક્ષેપ કરાયો છે. તંત્રના આવા ઉદાસીન વલણથી કંટાળીને સ્થાનિકોએ રસ્તા પર ઉતરીને ”વોર્ડના સભ્ય અમિતભાઈ હાય હાય”, ”વોર્ડના સભ્ય શૈલેષભાઈ હાય હાય”, ”નગરપાલિકા હાય હાય”, ”નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન હાય હાય” અને ”ધારાસભ્ય મહેન્દ્રભાઈ હાય હાય” ના ઉગ્ર નારા લગાવીને પોતાનો સખત આક્રોશ અને નારાજગી વ્યક્ત કરી હતી.