ગોંડલ ખાતે જન્માષ્ટમી નિમિતે પ્રતિ વર્ષની માફક નગરપાલિકા દ્વારા સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં યોજાતા લોકમેળા અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા આજથી શરુ કરાઇ છે.જેમાં ફોર્મ ભરીને મોકલવાની અંતિમ તા.10/8 રાખવામાં આવી છે.
સૌરાષ્ટ્ર એટલે મેળાને દિલથી માણનારો પંથક. એમાંયે અષાઢ વીતે એટલે લોકોના મન મેળે પહોંચી જ ગયા હોય અને ગામોગામ મેળાની તૈયારીઓ શરૂ થઇ જાય.
સૌરાષ્ટ્રનું કોઇ પણ શહેર એવું નહીં હોય કે જ્યાં મેળો ન યોજાતો હોય.ગોંડલમાં આગામી તા.2/9/ રાંધણછઠ્ઠ થી તા.8/9/26 સુધી સાત દિવસ માટે લોકમેળો યોજાનાર છે.
મેળાનાં આયોજન માટે નગરપાલિકા કચેરી ખાતે કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાનાં અધ્યક્ષ સ્થાને લોકમેળા કમીટી ની બેઠક મળી હતી.જેમાં કમીટી સદસ્યો રુષિરાજસિંહ જાડેજા, આશિફભાઇ ઝકરીયા, મયુરીબેન આચાર્ય, બીન્દુબેન સોલંકી, રાજવીબેન શિંગાળા, રાહુલભાઈ ડાભી, નિલેશભાઈ કાપડીયા, અનિલભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતાં.
ગત વર્ષ કરતાં મેળાના ઓફસેટ ભાવમાં 14 લાખનો વધારો આગેવાનોની યોજાયેલી બેઠકમાં આ વખતે સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનનો ઓફસેટ ભાવ રુ.65 લાખ નક્કી કરાયો હતો.ગત વર્ષે ઓફસેટ ભાવ રુ.51 લાખ હતો.અને ટેન્ડર પ્રક્રિયામાં રુ.79 લાખમાં મેદાનની હરરાજી થઇ હતી.આ વખતે કેટલા ભાવમાં મેદાન નક્કી થાય છે આગામી સમયમાં ખ્યાલ આવશે. આજથી ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા શરુ થઈ છે.જેની અંતિમ તા.10/8/26 છે. નોંધનીય છે કે ગોંડલનો આ મેળો માણવા ગોંડલના શહેરી જનો ઉપરાંત કોટડાસાંગાણી,જસદણ સહિતનાં વિસ્તારોના લોકો ઉમટતા હોય છે. ગોંડલનો લોકમેળો વિશેષ સ્થાન ધરાવતો હોવાથી લોકો મુક્ત મને મેળો માણી શકે તેવું આયોજન કરવા પાલિકાએ કટિબધ્ધતા વ્યક્ત કરી છે.