રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારોની 41 ખાદ્ય પેઢીઓ અને રેસ્ટોરન્ટ્સમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઝુંબેશ દરમિયાન 32 કિલો અખાદ્ય અને વાસી ખોરાક તેમજ 120 લિટર એક્સપાયર કોલ્ડડ્રિંક્સના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ગંભીર અસ્વચ્છતા, અખાદ્ય ખોરાકનો સંગ્રહ અને લાયસન્સ સંબંધિત ત્રુટિઓ જણાતા કસ્તુરબા રોડ પર આવેલા “જય હિન્દ મદ્રાસ કાફે”ને સીલ કરી દેવામાં આવ્યું હતું.
ઉપરાંત, જૂનું માર્કેટ યાર્ડ સ્થિત “શ્યામ એન્ડ કંપની”માંથી લાલ મરચું, ધાણાજીરું અને ટર્મરિક પાવડરના કુલ 3 નમૂનાને પરીક્ષણ માટે લેવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનાર 13 પેઢીને સ્ટોરેજ, લાયસન્સ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ આપી તેની પાસેથી રૂ. 24,000 વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ, અખાદ્ય સામગ્રી અને અસ્વચ્છતા સામે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ફૂડ વિજિલન્સ શાખાએ જય હિન્દ મદ્રાસ કાફે સીલ કર્યું છે, જ્યારે શ્યામ એન્ડ કંપનીમાંથી લાલ મરચું, ધાણાજીરું અને ટર્મરિક પાવડરના નમૂના લેવાયા છે. નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે.