ચોમાસાની ઋતુમાં ડેંગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરી રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે કાલે 4 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી તમામ 18 વોર્ડમાં ‘વન-ડે-વન-વોર્ડ‘ કાર્યક્રમ હેઠળ સઘન ઝુંબેશ ચલાવવામાં આવશે. આરોગ્ય અધિકારી જયેશ વકાણીના જણાવ્યા મુજબ દરરોજ એક વોર્ડની મુખ્ય ઓફિસથી આરોગ્ય વિભાગની તમામ ટીમો સંયુક્ત રીતે કામગીરી કરશે. આ ઝુંબેશમાં 518 અર્બન આશા, 114 MHPW અને 40 મેલેરિયા ફિલ્ડ વર્કર સહિત 162 ટીમો જોડાશે. ટીમ દ્વારા ઘરો, શાળાઓ, હોટેલો, હોસ્પિટલો અને બાંધકામ સાઇટોની તપાસ કરી પોરાનાશક કામગીરી, ભંગારનો નાશ તેમજ લાર્વીસાઇડ અને ઓઇલ છંટકાવ કરવામાં આવશે. સાથે જ ખુલ્લા પાણીના સ્ત્રોતોમાં પોરાભક્ષક માછલીઓ મુકાશે તથા લોકોને પત્રિકા અને પોસ્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારની PM SVANidhi યોજના અંતર્ગત શહેરમાં શેરી ફેરિયાઓને સિક્યુરીટી વિના વર્કિંગ કેપિટલ લોન મેળવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા આ યોજના માર્ચ-2030 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ ફેરિયાઓને તબક્કાવાર લોન આપવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કામાં રૂ. 15,000 (12 માસ માટે), બીજા તબક્કામાં રૂ. 25,000 (18 માસ માટે) અને ત્રીજા તબક્કામાં રૂ. 50,000 (36 માસ માટે) સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં કુલ 34,245 લાભાર્થીઓને આ યોજના હેઠળ લોન મળેલ છે. હજુ પણ આ લાભથી વંચિત હોય તેવા ફેરિયાઓને આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક અને UPI ID ની ઓરિજિનલ તથા ઝેરોક્ષ નકલ સાથે NULM સેલ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડનો સંપર્ક કરવા જણાવાયું છે.