રાજકોટમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલી બેવડી ઋતુ અને તાજેતરના વરસાદ વચ્ચે રોગચાળાના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહ દરમિયાન શહેરમાં રોગચાળાના કુલ 2,399 કેસ નોંધાયા છે. જેમાં લાંબા સમય બાદ ડેંગ્યુ-મેલેરિયા-કમળાનાં 1-1 કેસ નોંધાયા છે. તો શરદી-ઉધરસના 948, સામાન્ય તાવના 972, ઝાડા-ઉલ્ટીના 476 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. આ સ્થિતિ ઉપર કાબૂ મેળવવા મનપાની આરોગ્ય અને મેલેરિયા શાખા દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા સપ્તાહમાં ફિલ્ડ સ્ટાફ દ્વારા 2,98,737 વસ્તીનો સર્વે કરી 11,012 ક્લોરીન ટેબ્લેટ અને 1,600 ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું છે. આ ઉપરાંત 2,962 પાણીના કલોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. મચ્છરજન્ય ઉપદ્રવ અટકાવવા માટે આશા વર્કરો દ્વારા 91,645 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 372 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારો અને જાહેર સ્થળો પર વહિકલ માઉન્ટેડ મશીનથી ફોગિંગ હાથ ધરી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.