રાજકોટમાં એક જ પરિવારના સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં શહેરના સાધુવાસવાણી રોડ પર રહેતા ખખ્ખર પરિવારના દંપતીએ પુત્ર સાથે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. જોકે, ટૂંકી સારવાર દરમિયાન માતાનું મોત થયું હતું, ત્યારબાદ પિતા-પુત્રનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. યુનિવર્સિટી પોલીસે નિવેદન નોંધવા સહિત કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારનો સેલફોસના ટીકડા ખાઈ આપઘાત રાજકોટના સાધુવાસવાણી રોડ પર આવેલા અજંતા પાર્ક વિસ્તારમાં રહેતા દિલીપભાઈ ખખ્ખર (ઉ.વ.73) તેમના પત્ની સ્મિતાબેન ખખ્ખર (ઉ.વ. 65) અને પુત્ર નિશિત ખખ્ખર (ઉ.વ. 32)એ એકસાથે સાંજના 5 વાગ્યે સેલફોસના ટીકડા ખાતા ગંભીર હાલતમાં 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સ્મિતાબેનનું મોત થયું હતું, જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર હોવાથી ઇમર્જન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેના પણ મોત થયા હતા.
બનાવ અંગેની જાણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ દ્વારા હોસ્પિટલ પહોંચી ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરિવારે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.