રાજકોટ સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ખાતે આરોગ્ય અને સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ ચાર દિવસીય રાષ્ટ્રીય હેન્ડ્સ-ઓન વર્કશોપનો પ્રારંભ થયો છે. AIIMS રાજકોટના વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL) તેમજ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી અને ઇન્ફેક્શિયસ ડિસીઝ વિભાગ દ્વારા ઇન્ડિયન સોસાયટી ઓફ ક્લિનિકલ વાયરોલોજી (ISCV)ના સહયોગથી “ક્લિનિકલ વાયરોલોજીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ (NGS) અને બાયોઇન્ફોર્મેટિક્સ” વિષય પર આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
25થી 28 જુલાઈ, 2026 દરમિયાન યોજાઈ રહેલા આ રાષ્ટ્રીય કક્ષાના તાલીમ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ચેપી રોગોના જિનોમિક સર્વેલન્સ, ઝડપી નિદાન અને રોગચાળા સામેની પૂર્વ તૈયારીઓને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.
‘માત્ર નવી ટેક્નોલોજી વસાવવાથી કામ પૂરું નથી થતું’ આ વર્કશોપનું વિધિવત ઉદ્ઘાટન AIIMS રાજકોટના કાર્યકારી નિયામક ડૉ. એલ. એન. દોરાયરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ડૉ. દોરાયરાજને જણાવ્યું હતું કે, વર્તમાન યુગમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ અને મોલેક્યુલર જિનોમિક ટેક્નોલોજી આધુનિક તબીબી વિજ્ઞાન અને જાહેર આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર નવી ટેક્નોલોજી વસાવવાથી કામ પૂરું નથી થતું, પરંતુ તેનો ક્લિનિકલ પ્રેક્ટિસ, સંશોધન અને દર્દીઓની સુવિધા માટે પ્રત્યક્ષ ઉપયોગ થઈ શકે તે માટે દેશમાં કુશળ અને તાલીમબદ્ધ માનવસંસાધન તૈયાર કરવું અત્યંત આવશ્યક છે.