રાજકોટ શહેરના કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં પડોશી દ્વારા કરાયેલા ગેરકાયદે બાંધકામ અંગે મહાનગરપાલિકામાં ફરિયાદ કરનાર મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મનપા દ્વારા નોટિસ ફટકારાતા ઉશ્કેરાયેલા પડોશી પરિવારે મહિલાના ઘરે જઈ હંગામો મચાવ્યો હતો. આ મામલે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
7 ફૂટના ગેરકાયદે બાંધકામ અંગે મનપામાં કરી હતી અરજી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, અંબાજી કડવા પ્લોટ શેરી નં. 1 ખાતે રહેતા 29 વર્ષીય પૂજાબેન ઘનશ્યામભાઈ ઝાલાએ પાડોશમાં રહેતા નથવાણી પરિવારના મકાનનું આશરે સાત ફૂટ જેટલું બાંધકામ ગેરકાયદેસર હોવાનું જણાતા રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરી હતી. અરજીના પગલે મહાનગરપાલિકાની ટીમે સ્થળ તપાસ કરી મકાનમાલિકને નોટિસ ફટકારી હતી.
મનપાની નોટિસથી ઉશ્કેરાઈને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ નોટિસ મળતા જ ખાર રાખીને ગત 23 જુલાઈના રોજ બપોરના સમયે પડોશી ભાવનાબેન અભીરામ નથવાણી અને વિજુબેન પરમારે પૂજાબેનના ઘર બહાર આવી ઉશ્કેરણીજનક ભાષામાં ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ભાવનાબેનનો પુત્ર તેજસ નથવાણી પણ ત્યાં પહોંચ્યો હતો અને પૂજાબેન તથા તેમના પરિવારને અપશબ્દો બોલી “તને જાનથી મારી નાખવી છે” એવી ખુલ્લેઆમ ધમકી આપી હતી. આ દરમિયાન તેજસના પિતા અભીરામ નથવાણી પણ ઝઘડામાં જોડાયા હતા અને ઉશ્કેરાઈને પૂજાબેનના ઘરના મુખ્ય દરવાજા સુધી પહોંચી અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આસપાસના લોકોએ ત્વરિત વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.
4 આરોપીઓ સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ પૂજાબેન ઝાલાની ફરિયાદના આધારે માલવિયાનગર પોલીસે ભાવનાબેન નથવાણી, તેજસ નથવાણી, અભીરામ નથવાણી અને વિજુબેન પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.