રાજકોટ શહેરમાં પોલીસમેનના ભત્રીજાનું ગેરકાયદે હથિયાર વડે ફાયરિંગ કરી હત્યા નિપજાવવાની ઘટના બાદ શહેર પોલીસ દ્વારા ગેરકાયદે હથિયારો રાખતા અને સપ્લાયરો ઉપર ઘોષ બોલાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. PCB દ્વારા મુખ્ય સપ્લાયર સહીત 20 આરોપીઓ પાસેથી 38 ગેરકાયદે હથિયાર કબ્જે કરાયા બાદ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે દેશી બનાવટની પિસ્તોલ તેમજ એક દેશી તમંચા અને 8 જીવતા કાર્ટીસ સાથે 2 શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ આરોપીઓ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાથી પોતાની સુરક્ષા માટે હથિયાર રાખતા હોવાનું રટણ કરી રહ્યા છે. આજે સાંજે વધુ એક આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને એક કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યા હતું કે, વાવડી નજીકના રસુલપરા રોડ પરથી રહીમ ઉર્ફે જામનગરી સીદ્દીક સાંધ (ઉ.વ.50)ને દેશી બનાવટની પિસ્તોલ અને બે કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ તેના મકાનમાં દરોડો પાડી ત્યાંથી દેશી બનાવટનો એક તમંચો અને ચાર કાર્ટીસ કબજે કરવામાં આવ્યા હતા. આરોપી રહીમે પોતે મજૂરી કરતો હોવાનું પોલીસને જણાવ્યું છે. અને તેના વિરૂધ્ધ મારામારી, આર્મ્સ એકટ, ધમકી આપવા સહિતના પાંચ ગુના નોંધાયેલા હોવાનું તથા વર્ષ 2022માં પાસા હેઠળ પણ ધકેલાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા આરોપી આ બંને હથિયારો કયાંથી લીધા તે અંગે પુછપરછ કરતા આવેશ ઓડિયા પાસેથી થોડા વર્ષો પહેલા ખરીદ કર્યાની અને 30થી 35,000માં ખરીદ કર્યાની કબૂલાત આપી હતી. જોકે, આવેશ ઓડિયા હાલ ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ છે જેથી આગળ પોલીસ દ્વારા તેની પણ ઊંડાણ પૂર્વક પુછપરછ હાથ ધરવામાં આવશે.