મનપાનું તંત્ર કર્મચારીનું પણ સાંભળતું નથી!

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે શહેરના તમામ નાના-મોટા વોકળાઓની સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ ચિત્ર બતાવી રહી છે. મનપા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર ફોટોસેશન અને કાગળ પર જ સીમિત રહી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ખુદ મનપામાં જ ફરજ બજાવતા કર્મચારીઓની પોતાની રજૂઆતો પણ અધિકારીઓ અને પદાધિકારીઓ કાને ધરતા નથી, જેના કારણે સામાન્ય નાગરિકોની સ્થિતિ શું હશે તે વિચારી શકાય છે. રણુજા મંદિર પાછળ વોકળા સફાઈ મુદ્દે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ જ મનપાની પોલ ખોલતા કહ્યું કે- વધુ વરસાદ આવે તો 50થી વધુ ઘરોને જોખમ છે. જોકે વારંવાર સફાઈ કરવા છતાં સ્થાનિકો કચરો ઠાલવતા હોવાનો બચાવ કોર્પોરેટરે કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા રણુજા મંદિરની પાછળ અને સોમનાથ સોસાયટી વિસ્તારમાં સોલ્વન્ટ તરફથી આવતા મુખ્ય વોકળાની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી નથી. આ વિસ્તારમાં રહેતા અને મનપાના ફાયર વિભાગના ચીફ ઓફિસરના પટ્ટાવાળા તરીકે કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા ઘનશ્યામ ચાવડાએ દિવ્યભાસ્કર સમક્ષ પોતાની આપવીતી જણાવતા તંત્રની ઢીલી નીતિનો પર્દાફાશ થયો છે. ઘનશ્યામ ચાવડાના જણાવ્યા મુજબ, રણુજા મંદિર પાછળ આવેલા પુલ અને વોકળાની યોગ્ય સફાઈ ન થવાના કારણે 3 થી 4 સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે.

કોર્પોરેટરે માત્ર “હા, થઈ જશે” એવા પોલા આશ્વાસનો જ આપ્યા વધુમાં તેમણે જણાવ્યું કે આ અંગે સ્થાનિક કોર્પોરેટર સંજય સિંહ રાણાને 2 વખત રજૂઆત કરી હતી. પરંતુ કોર્પોરેટરે માત્ર “હા, થઈ જશે” તેવા પોલા આશ્વાસનો જ આપ્યા હતા. ત્યારબાદ તેમણે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ચાવડા સાહેબને સ્થળ પરનો વીડિયો બતાવી રજૂઆત કરી હતી. જોકે સોલિડ વેસ્ટ વિભાગ તરફથી જેસીબી મોકલીને કામ કરાવવાનું કહેવામાં આવ્યું હોવા છતાં દિવસો વિતી ગયા પછી પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *