રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં ભેળસેળીયા તત્વો સુધરવાનું નામ લેતા નથી. આજે પણ ફૂડ વિભાગની ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પહોંચીને કુલ 92 જેટલા વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મોટી માત્રામાં અખાદ્ય તેમજ વાસી ખોરાક મળી આવ્યો હતો. જેને લઈને કુલ 179 કિલો જેટલા આવા જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
ફક્ત એટલું જ નહીં ગંભીર બેદરકારી દાખવનાર 33 પેઢીઓને કારણદર્શક નોટિસો ફટકારવામાં આવી હતી અને નિયમભંગ બદલ કુલ રૂ. 51,500 નો વહીવટી દંડ વસૂલવામાં આવ્યો હતો. FSSAI એક્ટ હેઠળ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના 15 નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તેમજ ગંભીર ક્ષતિઓ ધરાવતી 3 પેઢીઓને સ્થળ પર જ સીલ કરવામાં આવી હતી.
3 વેપારી પેઢીઓને સીલ કરી કડક પગલાં લેવાયા શ્રી ખોડીયાર ચટણી: સોરઠીયા વાડી-1 ના છેડે, લલુડી વોકળી, બાપા સીતારામ ચોક ખાતે આવેલી આ પેઢીના ઉત્પાદન સ્થળ પર સોસ બનાવવા માટે માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક એવા સિન્થેટિક ફૂડ કલર, નોન-ફૂડ ગ્રેડ કેમિકલ્સનો ઉપયોગ થતો હોવાનું માલૂમ પડ્યું હતું. આથી પેઢીને તુરંત અસરથી સીલ કરવામાં આવી હતી. અનહાઇજેનિક કન્ડિશન બદલ રૂ. 2,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરી નોટિસ આપવામાં આવી હતી. સ્થળ પરથી ફ્રૂટ સ્ક્વોસ (લૂઝ), ખજૂરની ચટણી (લૂઝ) અને લીલી ચટણી (લૂઝ)ના મળી કુલ 3 નમૂના પૃથ્થકરણ અર્થે લેવામાં આવ્યા હતા.