કોમનવેલ્થ ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમની સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ. ભારત તરફથી વેટલિફ્ટર મીરાબાઈ ચાનુ અને બોક્સર લવલીના બોરગોહેને તિરંગો લઈને ટુકડીની આગેવાની કરી. મીરાબાઈ ટોકિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ છે, જ્યારે લવલીનાએ ટોકિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ પહેલાં બ્રિટનના કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલાએ ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ ભારત સહિત 74 દેશોના ખેલાડીઓનો માર્ચ-પાસ્ટ થયો. પછી અનેક મ્યુઝિકલ પરફોર્મન્સ થયાં.
ઓપનિંગ સેરેમનીની શરૂઆત સ્કોટલેન્ડની સંસ્કૃતિ અને વારસાના વીડિયોથી થઈ. ત્યારબાદ કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા એરિના પહોંચ્યા. તેમની સાથે વડાપ્રધાન એન્ડી બર્નહામ પણ હાજર રહ્યા. આ પછી યુનાઈટેડ કિંગડમનું રાષ્ટ્રગીત ‘ગોડ સેવ અવર કિંગ’ પ્રસ્તુત કરવામાં આવ્યું. રાષ્ટ્રગીત પછી એક પછી એક કોમનવેલ્થ દેશોના ખેલાડીઓનો માર્ચ-પાસ્ટ થયો.
23 જુલાઈથી 2 ઑગસ્ટ સુધી ચાલનારી આ રમતોમાં ભારત 126 ખેલાડીઓની ટુકડી સાથે ભાગ લઈ રહ્યું છે. ઓપનિંગ સેરેમની ગ્લાસગોના ઓવો હાઈડ્રો એરિનામાં યોજાઈ, જ્યાં લગભગ 13 હજાર દર્શકોની ઉપસ્થિતિ રહી.
આ પહેલાં ભારતે લૉન બોલ્સમાં બે જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી. બીજી તરફ, ભારતીય ધ્વજવાહક લવલીના બોરગોહેન મહિલા 75 કિગ્રા કેટેગરીની સેમિફાઇનલમાં સીધી પહોંચવાને કારણે કોઈ પણ મેચ રમ્યા વગર જ ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ પાકો કરી ચૂકી છે.