રાજકોટ મનપાના પૂર્વ સ્ટે. ચેરમેન બીપીન અઢીયાએ આજે મેયર ડો. નેહલ શુક્લને રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, પંચનાથ રોડ પર આવેલી શ્યામલાલજી હવેલી ખાતે વર્ષ 1965થી પોતાની દુકાન છે. જેમાં હાલ નવા મકાનમાલિક બનેલા નિકુંજ તેમજ માધવ મહેતા જગ્યા ખાલી કરાવવા ખોટી રીતે હેરાન કરતા હોવાનો આરોપ લગાવી આ મામલે ત્વરિત પગલાં લેવાની માંગ કરી હતી. આ બાબતે મેયરે પણ તપાસ કર્યા બાદ જરૂરી પગલાં લેવા માટેની ખાતરી આપી હતી.
મેયરને રજૂઆત કરતા અઢિયા પરિવારે જણાવ્યું હતું કે, અહીં અનેક પરિવારો પેઢીઓથી પોતાના વ્યવસાયો ચલાવી રહ્યા છે. જેના આધારે તમામનું ગુજરાન ચાલે છે. આ જગ્યાએ વર્ષો પહેલાથી અમારી બિપિન સોપ ફેક્ટરી આશરે 60 વર્ષથી કાર્યરત છે. આ વ્યવસાય બિપીનભાઈ અઢિયા ચલાવે છે. તેમણે છેલ્લા અનેક દાયકાઓથી સમાજ અને સમુદાયની સેવા કરી છે. સમાજ પ્રત્યેની તેમની લાંબા સમયની જાહેર સેવા છતાં અઢિયા પરિવાર હાલમાં કથિત હેરાનગતિ તથા તેમના વ્યવસાયની જગ્યામાં વારંવાર થતી દખલગીરીના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ.