રાજકોટના કાલાવડ રોડ પર એજી ચોક પાસે આવેલા ચમત્કારી હનુમાનજી મંદિર સામે હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. ભક્તિનગર સ્ટેશન પ્લોટના 46 વર્ષીય વિનોદભાઈ પરમાર અચાનક એક ઊંડા કૂવામાં ખાબક્યા હતા. નાનામૌવા કંટ્રોલ રૂમથી મેસેજ મળતા જ કાલાવાડ રોડ ફાયર સ્ટેશનની ટીમ રેસ્ક્યૂ ટેન્ડર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કૂવાની અંદર લોખંડની પાઈપો તેમજ જાળીઓનું જટિલ માળખું હોવા છતાં જાંબાઝ જવાનોએ જીવના જોખમે દોરડા અને લાઈફ સેવિંગ રીંગ વડે દિલધડક ઓપરેશન કર્યું હતું.
જવાનોએ પાઈપો વચ્ચે ફસાયેલા આધેડને મહામહેનતે બાંધીને બહાર કાઢ્યા હતા, પરંતુ કમનસીબે તેમનું મોત નીપજ્યું હતું. અંતે ફાયર સ્ટાફે મૃતદેહનો કબજો પોલીસને સોંપી દેતા પોલીસે મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાપાલિકાના નાનામૌવા કંટ્રોલ રૂમ પરને જાણકારી મળી હતી કે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આવેલા એજી ચોક પાસે, ચમત્કારી હનુમાનજી દાદાના મંદિરની બિલકુલ સામે ઊંડા પાણી ભરેલા કૂવામાં એક અજાણ્યો માણસ અચાનક ખાબક્યો છે. આ ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકના લોકોમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. પવિત્ર મંદિરની સામે બનેલી આ કરૂણ ઘટનાને પગલે સ્થાનિકોનાં ટોળેટોળા કૂવાની આસપાસ જમા થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા અને તાકીદને સમજીને નાના માવા કંટ્રોલ રૂમ દ્વારા પળનો પણ વિલંબ કર્યા વિના કાલાવડ રોડ ફાયર સ્ટેશનને તરત જ બચાવ કામગીરી માટે મેસેજ પાસ કર્યો હતો.