પુણેમાં મંગેતર કેતન અગ્રવાલની હત્યાના આરોપી સિયા ગોયલના માતા-પિતાએ ગુરુવારે પહેલીવાર પોતાનો પક્ષ રજૂ કર્યો. સિયાની માતા પૂજા ગોયલે કહ્યું કે જો સિયા દોષિત છે તો તેને ફાંસી આપી દેવી જોઈએ. સિયાના પિતા પ્રવીણ ગોયલે દાવો કર્યો કે સિયાએ ક્યારેય લગ્નને લઈને વાંધો ઉઠાવ્યો ન હતો.
સિયાના પિતા 23 જૂને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે હોસ્પિટલમાં મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું- સગાઈ નક્કી થયા પછી સિયા હંમેશા ખુશ રહેતી હતી અને હંમેશા કેતનની વાતો કરતી હતી. તે કેતન અને તેના પરિવારના વખાણ કરતી હતી.
પ્રવીણ ગોયલે દાવો કર્યો કે અકસ્માતના દિવસે લોહગઢ જવાની જીદ કેતને કરી હતી. તેમણે કહ્યું- કેતન વારંવાર સિયાને ફોન કરી રહ્યો હતો. પ્રવીણ ગોયલે કહ્યું કે આ મામલે જે પણ આરોપી હોય, ભલે મારી દીકરી જ કેમ ન હોય, તેને પણ લોહગઢ કિલ્લા પરથી ધક્કો મારી દેવો જોઈએ.
સિયા અને કેતન 18 જૂને પુણેના લોહગઢ કિલ્લા પર ફરવા ગયા હતા. આ દરમિયાન કેતનનો ખાડામાં પડી જવાથી મોત થયું. સિયા પર તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી સાથે મળીને મંગેતરની હત્યા કરવાનો આરોપ છે. બંને હાલ પોલીસ કસ્ટડીમાં છે અને કેસની તપાસ ચાલુ છે.