સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. અહીં બી.કોમ. સેમેસ્ટર-1નું પરિણામ પરીક્ષા લેવાયાના 5 માસ બાદ પણ જાહેર ન થતા 17 હજાર વિદ્યાર્થીઓ હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ વિદ્યાર્થીઓની સેમેસ્ટર-2 ની પરીક્ષા લેવાઈ ગઈ અને સેમેસ્ટર-3 નો અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે આમ છતાં પ્રથમ સેમેસ્ટરનું રિઝલ્ટ જાહેર ન થતા પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાએ વિદ્યાર્થીઓનું પરિણામ તાત્કાલિક જાહેર કરવામાં નહિ આવે તો યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. શાહને નિષ્ફળ પરીક્ષા નિયામકનો એવોર્ડ આપવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની સ્થિતિ અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી થઈ છે. બી.કોમ. સેમેસ્ટર-1ની પરીક્ષા જાન્યુઆરી માસમાં લેવામાં આવી હતી. ત્યારબાદ બી.કોમ. સેમેસ્ટર-2ની પરીક્ષા 21થી 30 એપ્રિલ દરમિયાન લેવામાં આવી અને સેમેસ્ટર-3નું શૈક્ષણિક કાર્ય પણ શરૂ થઈ ગયું આમ છતાં પણ સેમેસ્ટર-1 નું પરિણામ જાહેર થયું નથી. કોઈ વિદ્યાર્થી નાપાસ થાય અને તેને રેમીડિયલ પરીક્ષા આપવાની ફરજ પડે તો તે પણ ન આપી શકે કારણકે રિઝલ્ટ જાહેર થાય તો ખબર પડે કે વિદ્યાર્થી પ્રથમ સેમેસ્ટરમાં પાસ છે કે નાપાસ.
પરિણામ માટે સાત સાત મહિના સુધી રાહ જોવી પડે છે તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે ત્યાર બાદ તેને પરિણામ માટે સાત સાત મહિના સુધી રાહ જોવી પડે છે. જો આગામી ત્રણથી ચાર દિવસમાં બીકોમ સેમેસ્ટર-1 નું પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો અમે યુનિવર્સિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડૉ. મનીષ શાહને અમે સૌથી નિષ્ફળ પરીક્ષા નિયામકનો એવોર્ડ આપવા જશું.