રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગત વર્ષે 21 જૂન પૂર્વે નોંધપાત્ર વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ હતી અને જમીનમાં તળ પણ જીવંત થયા હતા તેમજ જળાશયોમાં પણ નવા નીરની આવક થઇ ચુકી હતી જેની સામે આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળમાંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ડેમોમાં ડેમોની સ્થિતિ જોતા રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના મારફત લિંક 2, 3, અને 4 મારફત નર્મદાનું પાણી છોડી પીવાનું પાણી પૂરું પાડવા સૂચના આપવામાં આવી છે. જેની સાથે સાથે કોઈ જગ્યાએ સિંચાઈ માટે ડિમાન્ડ જણાઈ તો સિંચાઈ માટે પણ પાણી પૂરું પાડવા આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના જળાશયોમાં સરેરાશ 24%, મોરબીના જળાશયોમાં સરેરાશ 23%, દ્વારકાના જળાશયોમાં સૌથી ઓછું 2.85%, જામનગરના જળાશયોમાં 12% અને સુરેન્દ્રનગરના જળાશયોમાં સરેરાશ 28% જ પાણી ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે.
નાયબ કાર્યપાલક ઈજનેર જયદીપ લાવડીયાનાં જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રના 141 જેટલા નાનામોટા ડેમોમાં કેપેસિટીનાં 25% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટના જળાશયોમાં સરેરાશ 24%, મોરબીના જળાશયોમાં સરેરાશ 23%, દ્વારકાના જળાશયોમાં સૌથી ઓછું 2.85%, જામનગરના જળાશયોમાં 12% અને સુરેન્દ્રનગરના જળાશયોમાં સરેરાશ 28% જ પાણી ઉપલબ્ધ છે. જેમાં રાજકોટ જિલ્લાના 26 ડેમોની વાત કરવામાં આવે તો ભાદર-1 તેમજ ભાદર-2 સૌથી મોટા ડેમો છે. જેમાં ભાદર-1માં 18.11% તેમજ ભાદર-2 આશરે 53% ભરેલો છે. તો રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1માં 42% અને ન્યારી-1માં 31% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.