જેતપુર તાલુકા પોલીસે રૂપાવટી ગામની સીમમાં આવેલી વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં સાત આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે બે આરોપીઓ નાસી છૂટ્યા હતા. પોલીસે કુલ ₹2,84,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દરોડા દરમિયાન પોલીસને આશ્ચર્યજનક રીતે જાણવા મળ્યું કે જુગારધામમાં હિસાબ-કિતાબ માટે પ્લાસ્ટિકના જુદા જુદા રંગના 110 ટોકનનો ઉપયોગ કરવામાં આવતો હતો. રોકડ રકમના બદલે આવા ટોકનનો ઉપયોગ પોલીસની નજરથી બચવા અને મોટા હિસાબો સરળ બનાવવા માટે થતો હોવાનું મનાય છે.
પોલીસે સ્થળ પરથી રોકડા ₹1,54,000/-, ગંજીપત્તાના પાના અને ₹1,30,000/- ની કિંમતના ચાર મોબાઈલ ફોન સહિત કુલ ₹2,84,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં આ રંગીન ટોકન પણ સામેલ છે.
આ જુગારના અખાડામાંથી પોલીસે રાહુલ ચાવડા, પ્રોજેશ મેઘનાથી , પ્રવીણ ચાવડા, વિપુલ કારેણા, વનરાજ વાળા, ચીમન મકાણી અને રઘુ રામાણી ની ધરપકડ કરી છે. જ્યારે વાડી માલિક મણીલાલ મુંગરા અને ભરતભાઈ ગુજરાતી ને ઝડપી પાડવા માટે કાર્યવાહી ચાલુ છે.