જસદણમાં પરણીતાની હત્યાનો ભેદ ઉકેલાયો

જસદણ તાલુકાના કોઠી ગામમાં 23 વર્ષીય પરણીત યુવતીના મોતનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. શરૂઆતમાં આત્મહત્યાનો બનાવ જણાતો હતો, પરંતુ રાજકોટ ગ્રામ્ય અને જસદણ પોલીસની સંયુક્ત તપાસમાં આ ઘટના હત્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતકના કુટુંબીક જેઠની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રેમસંબંધ બાદ પરણીતાની હત્યા

ગઈકાલે કોઠી ગામે કાજલબેન યોગેશભાઈ સાપરાનો મૃતદેહ તેમના ઘર નજીક એક અવાવરુ મકાન પાસે કેળના ઝાડ સાથે લટકતી હાલતમાં મળ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યાની આશંકા હતી, પરંતુ પરિવારજનોએ હત્યાની શંકા વ્યક્ત કરતા પોલીસે ગંભીરતાથી તપાસ શરૂ કરી હતી. રાજકોટ ગ્રામ્ય પોલીસ વડા વિજયસિંહ ગુર્જર અને એએસપી ડો. નવીન ચક્રવર્તી સહિતની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસે કોલ ડિટેઈલ, ટેક્નિકલ પુરાવા અને ઊંડાણપૂર્વકની પૂછપરછના આધારે મૃતકના કુટુંબીક જેઠ અશોકભાઈ રણછોડભાઈ સાપરાની સંડોવણી શોધી કાઢી હતી. સઘન પૂછપરછ દરમિયાન આરોપી અશોક સાપરાએ હત્યાની કબૂલાત કરી હતી.

પ્રેમપ્રકરણ બન્યું હત્યાનું કારણ

પોલીસ તપાસ મુજબ, કાજલબેનના લગ્ન આશરે 16 મહિના પહેલા થયા હતા. લગ્ન બાદ કાજલબેન અને અશોકભાઈ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપીએ યુવતીના કેટલાક વીડિયો બનાવી તેને વાયરલ કરવાની ધમકી આપી દબાણ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની રાત્રે બંને વચ્ચે મુલાકાત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતાં આરોપીએ કાજલબેનનું મોઢું સાડી વડે દબાવી હત્યા કરી હતી.

હત્યા બાદ ભ્રમ ફેલાવવાનો પ્રયાસ નિષ્ફળ

હત્યા કર્યા બાદ આરોપીએ સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને આશરે 50 મીટર દૂર લઈ જઈ ઝાડ સાથે લટકાવી દીધો હતો. આ ઉપરાંત, તેણે મૃતકના મોબાઈલમાંથી પરિવારજનોને ભ્રમિત કરનારા સંદેશા મોકલી મોબાઈલ પણ તોડી નાખ્યો હતો. બીજા દિવસે આરોપી ગામલોકો સાથે ભળી જઈ અજાણ બનવાનો પ્રયાસ કરતો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *