રાજકોટ પોલીસના ઇતિહાસમાં સૌથી પડકારજનક અને હૈયું કંપાવી દેનારા ગુનાઓ પૈકીના એક એવા ‘ધડ વગરના માથા’ના રહસ્ય પરથી આખરે 8 વર્ષના લાંબા સમય બાદ પડદો ઊંચકાયો છે. ડિસેમ્બર 2018માં આજી નદીના પટમાંથી મળી આવેલા એક માસૂમ બાળકના કપાયેલા માથાનો ભેદ ઉકેલવામાં રાજકોટ પોલીસને સફળતા મળી છે.
ડીએનએ (DNA) પરીક્ષણની મદદથી આ અતિ જટિલ કેસનો ઉકેલ લાવીને પોલીસે સાબિત કર્યું છે કે, પાપ ગમે તેટલું છુપાવવામાં આવે, એક દિવસ બહાર આવીને જ રહે છે. પશ્ચિમ બંગાળના એક નિર્દોષ બાળક પર અમાનુષી અત્યાચાર ગુજારી તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર ઠેકેદાર અજીતમુલા અઝમતમુલાની પાપલીલાનો આખરે અંત આવ્યો છે. રાજકોટ જેલમાં બંધ આ આરોપીનો કબ્જો મેળવી પોલીસ હવે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
આ ચકચારી ઘટનાની શરૂઆત 18 ડિસેમ્બર, 2018ના રોજ થઈ હતી. રાજકોટ શહેરના ભગવતીપરા અને રૂખડીયા કોલોની રાજીવનગરને જોડતા બેઠા પુલ નજીક આજી નદીના પટમાં વચોવચ એક બાળકનું કપાયેલું માથું પડ્યું હતું. સવારે કુદરતી હાજતે નીકળેલી સ્થાનિક મહિલાઓની નજર આ ભયાનક દ્રશ્ય પર પડતા આખો વિસ્તાર ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો.
આ અંગે સ્થાનિક જાગૃત નાગરિક અલ્લારખાભાઇ શાહમદારે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા જોઈને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બાળકનું માત્ર માથું જ મળી આવ્યું હતું પોલીસને પ્રાથમિક તપાસ કરતા જાણવા મળ્યું કે આ માથું કોઈ માસૂમ બાળકનું હતું, જેને કોઈ ધારદાર હથિયાર વડે ગળું કાપીને ધડથી અલગ કરવામાં આવ્યું હતું. પોલીસે આજુબાજુના સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ બાળકનું માત્ર માથું જ મળી આવ્યું હતું. નદીના પાણીમાં બાળકના શરીરના અન્ય ભાગો કે ધડને શોધવા માટે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી.