અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ, સાઇટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી AI171 ફ્લાઈટનું પ્લેન ક્રેશ થતા 260થી વધારે લોકોના કરુણ મોત થયા હતા. આજે(12 જૂન) અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થયું હતું ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

શાહીબાગ ઘોડા કેમ્પ રોડ પર રહેતા અને મેન્ટલ બારી નજીક ઝાડ નીચે ચાની કીટલી ધરાવનાર મહિલા સીતાબેન પટણીનો 15 વર્ષીય પુત્ર આકાશ પટણી આ ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. તેની માતા અને પરિવારજનો આજે પ્લેન ક્રેશ સાઈટ પર તેને યાદ કરીને વિલાપ કર્યો હતો.

જ્યારે દીકરીને ગુમાવનાર માતાએ ગેટ પકડીને ચીસો પાડી હૈયાફાટ રૂદન કર્યું હતું. માતાએ કહ્યું કે, મારી દીકરી તું ક્યાં છો?. જ્યારે બીજો એક પરિવાર શ્રદ્ધાંજલી અર્પણ કરતા ત્યારે એક મહિલા બેભાન થઈ ગઈ હતી. મૂળ કલોલના અને લંડનમાં સ્થાયી થયેલા પત્ની અને દીકરાને ગુમાવનાર યુવાને રડતાં રડતાં કહ્યું કે, અમને સાચો ન્યાય ક્યારે મળશે.

આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઇટ સ્થળે વૃક્ષા રોપણ કર્યું હતું. તેમણે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે, વિજય રૂપાણીના ફોટાને પ્લેન ક્રેશ સાઈટ પાસે વચ્ચે રાખીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *