રાજકોટમાં શિક્ષિકાએ તેના પૂર્વ વિદ્યાર્થી સામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં વર્ષ 2012માં જે વિદ્યાર્થીને ધો.10માં અભ્યાસ કરાવ્યો હતો તે જ વિદ્યાર્થીએ 12 વર્ષ બાદ શિક્ષિકાનો સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ કરી ત્યારબાદ લગ્નની લાલચ આપી દોઢ વર્ષ સુધી અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં રૂપિયા પડાવી લગ્ન કરવાની ના પાડતા શિક્ષિકાએ ફરિયાદ નોંધાવતા આરોપી પૂર્વ વિદ્યાર્થીએ વારાણસીમાં ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શિક્ષિકાના ફોટા વિડીયો વાયરલ કરી દેતા વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે અઢી મહિનાથી તે નાસ્તો ફરતો હતો. આ દરમિયાન આરોપી ધ્રુવલ દેસાઈ જામકંડોરણા આવ્યો હોવાથી ગાંધીગ્રામ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ એસીપી આર.એસ બારીઆએ જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં એક શિક્ષિકાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ અંગે ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જે કેસમાં આરોપી ધ્રુવલ દેસાઈનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર પાસે આરોપી અગાઉ અભ્યાસ કરી ચુક્યો હતો અને 12 વર્ષ બાદ બંનેનો સોશિયલ મીડિયા થકી સંપર્ક થયો હતો. બાદમાં આરોપી ધ્રુવલે તેને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી તેની પાસેથી રૂ.7 લાખ પડાવી લીધા બાદ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. એટલું જ નહીં ભોગબનનાર સાથે ચેટિંગ તેમજ અંગત ફોટા વીડિયો વાઇરલ કરી દેતા અલગથી ફરિયાદ નોંધાઈ હતી. જે બંને ગુનામાં વોન્ટેડ ધ્રુવલ દેસાઈ જામકંડોરણા હોવાથી પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.