ચોમાસામાં ગુજરાતમાં એસ.ડી.આર.એફ.ની 11 ટીમ સજ્જ રહેશે. કુદરતી આફતોમાં જીવન રક્ષક બનતા આ જવાનોને તાજેતરમાં જ ટ્રેનિંગ આપવામાં આવી છે. પોતાના જીવની પરવાહ ન કરતી આ ટીમ દ્વારા છેલ્લા 13 વર્ષમાં 600 થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યુ છે.
રાજકોટના SRP ગ્રૂપ હેઠળના SDRF ગ્રુપ 13 ની ટીમના પોલીસ ઇન્સ્પેકટર મયુર કોટડિયાએ જણાવ્યુ હતુ કે, આ SDRF-13 ગ્રુપને રાજકોટ જિલ્લા ઉપરાંત જામનગર અને મોરબીમાં પણ કામગીરી અર્થે ફરજ સોંપવામાં આવે છે. રાજકોટ, ધોરાજી, ઉપલેટા સહિતના તાલુકાઓમાં પૂર સમયે ગ્રામીણ વિસ્તારમાં અમારી ટીમની વિશેષ જરૂરિયાત રહે છે. વર્ષ 2013થી આજ સુધીમાં અમારી ટીમ દ્વારા 600થી વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.દર વર્ષે ચોમાસામાં અનેક ગામોમાં પાણી ભરાય, પૂર આવે ત્યારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ બચાવ અને રાહત કામ માટે પહોંચી જાય. કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે મદદરૂપ બનવું એ તેમનું મુખ્ય લક્ષ્ય. ત્યારે આવો જાણીએ એસ.ડી.આર.એફ. શું છે અને તે કેવી રીતે કામ કરે છે.
વર્ષ 2013માં ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા માનવસર્જિત અને કુદરતી આપત્તિઓ સામે રક્ષણ, પૂર્વતૈયારી અને રાહત-બચાવની કામગીરી અર્થે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની રચના કરવામાં આવી. જે એન.ડી.આર.એફ. સાથે મળીને કામ કરે છે. સ્ટેટ રિઝર્વ પોલીસ (એસ.આર.પી.) ના 23 યુનિટ પૈકી 11 યુનિટમાં એસ.ડી.આર.એફ. ની 11 કંપની કાર્યરત છે. દરેક કંપનીમાં ત્રણ ટીમ કાર્યરત હોય છે. ટીમમાં 33 જેટલા જવાનો જોડાયેલા હોય છે.
એસ.ડી.આર.એફ.ટીમને કયા પ્રકારની ટ્રેનીંગ અપાય છે? કુદરતી આફત સમયે માનવ જિંદગી બચાવી શકે તે માટે એસ.ડી.આર.એફ. જવાનોને 45 દિવસની બેઝિક અને અન્ય ખાસ તાલીમ આપવામાં આવે છે. જેમાં મેડિકલ ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે પ્રિ- હોસ્પિટલ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી, કોલેપ્સ સ્ટ્રક્ચરમાં લોકોને કેવી રીતે બચાવવા, ફ્લડમાં ડૂબતા લોકોને બોટમાં કે રોપ દ્વારા બચાવ કાર્ય, કેમિકલ કે બાયોકેમિકલ ડિઝાસ્ટર સહિતની તાલીમ આપવામાં આવે છે. રાજ્યમાં બરોડા અને ગાંધીનગર એમ બે સ્થળે એન.ડી.આર.એફ. દ્વારા તાલીમ અપાય છે. જરૂર પડ્યે બે સપ્તાહની સ્પેશિયલાઈઝ ટ્રેનિંગ પણ એન.ડી.આર.એફ. દ્વારા આપવામાં આવતી હોવાનુ કોટડીયાએ ઉમેર્યું હતુ.