દિવ્યાંગ ખેલાડી મયુરી દવેએ રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ જીત્યો

“મંઝિલ ઉન્હીં કો મિલતી હૈ જિનકે સપનોં મેં જાન હોતી હૈ, પંખોં સે કુછ નહીં હોતા હોસલોં સે ઉડાન હોતી હૈ.”આ પંક્તિને રાજકોટના 38 વર્ષીય દિવ્યાંગ મહિલા ખેલાડી મયુરીબેન દવેએ ચરિતાર્થ કરી બતાવી છે.માત્ર 2 વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બનેલા મયુરીબેને 35 વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું અને 3 વર્ષની સફરમાં જ તેમણે રાષ્ટ્રીય સ્તરે 3 બ્રોન્ઝ મેડલ જીતીને રાજ્યનું નામ રોશન કર્યું છે.તાજેતરમાં જ આ ખેલાડીએ મધ્યપ્રદેશમાં રમાયેલી રાષ્ટ્રીય કક્ષાની પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ બાળપણમાં જ્યારે મયુરીબેન અન્ય સામાન્ય બાળકોને દોડતા-રમતા જોતા,ત્યારે તેમના મનમાં એક સવાલ વારંવાર સતાવતો કે ‘હું કેમ આ લોકોની જેમ ચાલી નથી શકતી’ પરંતુ મયુરીબેનના પિતા હંમેશા તેમનું પીઠબળ બન્યા.વ્હીલચેરની મર્યાદાઓને માત આપીને મયુરીબેને વિજયયાત્રાનું પ્રથમ સોપાન ગત વર્ષે વડોદરાના સમા ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમાયેલી પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ 2024-25માં સર કર્યુ.જ્યાં તેમણે હિંમત દાખવીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

આ ઉપરાંત 27 માર્ચ 2025ના રોજ દેશના પાટનગર દિલ્હીમાં આયોજિત ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ 2025માં પણ તેમણે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.28 ફેબ્રુઆરી 2026ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોર સ્થિત અભય પ્રશાલ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે રમાયેલી UTT પેરા સિનિયર ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશિપ 2025-26માં તેમણે વધુ એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

વર્તમાન સમયમાં લોકો નાની નાની નિષ્ફળતાઓથી નિરાશ થઈ જાય છે,ત્યારે તેમને મયુરીબેને સંદેશ આપ્યો હતો કે,જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં.બસ,પ્રયત્નો કરતા રહો. મુશ્કેલીઓ તો આવશે,પણ જો વ્હીલચેર પર બેસીને,પોલિયો સામે લડીને પણ હું આ મુકામ સુધી પહોંચી શકતી હોઉં,તો ઈશ્વરે તમને બધું જ આપ્યું છે,તમે તો ઈચ્છાશક્તિ અને અનુશાસનથી ધારો તે લક્ષ્યાંક પ્રાપ્ત કરી જ શકો છો.સફળ ખેલાડીની પાછળ માર્ગદર્શક અને યોગ્ય સુવિધાઓનો મોટો હાથ હોય છે.મયુરીબેનની પ્રતિભાને ઓળખીને તેને યોગ્ય દિશા આપવાનું કામ કર્યું છે.રાજકોટમાં ટેબલ ટેનિસ કોચ આકાશ મૂલચંદાની છેલ્લા બે વર્ષથી એસ.એ.જી. (સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત)ના મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ ખાતે ફરજ બજાવે છે અને તેઓ જ મયુરીબેનને તાલીમ આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *