સૌરાષ્ટ્રના જગવિખ્યાત પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ વીરપુરમાં એસટી તંત્રની મોટી બેદરકારી સામે આવી હતી. કરોડોના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન એસટી બસ સ્ટેન્ડ પરિસરમાં રાત્રિના લાઈટો અને પંખાઓ બંધ થઈ જતાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.
દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાપાના દર્શન કરવા વીરપુર આવતા હોય છે, હાલ ઉનાળાની અસહ્ય ગરમી અને બફારા વચ્ચે પંખાઓ બંધ રહેતા લોકો અકળાયા હતા. રાત્રિના સમયે અંધારપટ છવાઈ જતાં મુસાફરોએ અંધારાનો સામનો કરવો પડ્યો હતો. રાજ્ય સરકારે યાત્રાળુઓની સુવિધા માટે વીરપુરમાં મોટો ખર્ચ કરીને નવું બસ સ્ટેન્ડ બનાવ્યું છે.
જોકે એસટી તંત્રની નબળી કામગીરીને લીધે રાત્રે બસ સ્ટેન્ડમાં બ્લેકઆઉટ જેવી સ્થિતિ સર્જાય છે. ગરમીની સાથે મચ્છરોના અસહ્ય ત્રાસને કારણે બસની રાહ જોતા પરિવારો માટે પરિસ્થિતિ વધુ કપરી બની છે. પ્રકાશના અભાવે રાત્રિના સમયે મુસાફરોને પાણીના પરબ સુધી પહોંચવા, શૌચાલયની સુવિધાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલીઓ પડે છે. અંધકારના કારણે માલસામાનની ચોરી થવાની, અનિચ્છનીય બનાવો બનવાની ભીતિ વધી ગઈ છે.
યાત્રાધામ જેવા મહત્વના સ્થળે આવી નબળી સ્થિતિ એસટી વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને મુસાફરોએ ડેપો મેનેજર તેમજ ઉચ્ચ તંત્રને બસ સ્ટેન્ડની આ વીજ સમસ્યાનું તાત્કાલિક કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે. એસટીમાં રાત્રિના લાઈટો બંધ હોવાથી અંધારામાં બેસવા મજબૂર યાત્રાળુઓ.