જસદણ તાલુકાના વડોદ ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બોર્ડને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ વકર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા બોર્ડ હટાવવાની કામગીરી શરૂ કરાતા જ દલિત સમાજે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન એક દલિત આગેવાને ફીનાઇલ પી લેતાં દોડધામ મચી ગઈ હતી, ચાર પોલીસ સ્ટેશનના કાફલો ખડકી દેવાયો હતો તેમજ ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. વડોદ ગામે ડૉ. બાબાસાહેબ આંબેડકરના બોર્ડને લઈને લાંબા સમયથી ગજગ્રાહ ચાલતો હતો.
ગ્રામ પંચાયત દ્વારા આ બોર્ડ લગાવવા માટે વૈકલ્પિક રીતે અલગ જગ્યા પણ ફાળવવામાં આવી હતી. જો કે, દલિત સમાજના લોકો હાલ જ્યાં બોર્ડ લગાવેલું હતું ત્યાંથી તે હટાવવાની માંગ પર અડગ રહ્યા હતા. જેથી મામલતદાર અને ટીડીઓ સહિતની ટીમ પોલીસ પ્રોટેક્શન સાથે બોર્ડ હટાવવાની કાર્યવાહી કરવા પહોંચતા જ દલિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા અને તંત્ર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.
આક્રમક મૂડમાં આવેલા દલિત સમાજે પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે, અહીંથી બે ફૂટ દુર બોર્ડ મુકવા દેવામાં નહીં આવે, ભલે આ માટે અમારો જીવ કેમ ન જતો રહે!
વડોદ ગામની તંગ પરિસ્થિતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તાબડતોબ એક્શન લેવાયા હતા. જસદણ, આટકોટ, ભાડલા અને વીંછીયા સહિતના વિસ્તારોમાંથી પોલીસની મોટી ફોજ વડોદ ગામે ઉતારી દેવામાં આવી હતી. હાલ સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને વહીવટી તંત્ર દ્વારા મામલો થાળે પાડવા પ્રયાસો થઈ રહ્યા છે.
પ્રશાસન દ્વારા બોર્ડ હટાવવાની જીદ પકડાતા વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું. આ રોષ વચ્ચે દલિત સમાજના સ્થાનિક આગેવાન રમેશભાઈ હમીરભાઈ ચાવડાએ જાહેરમાં જ ફીનાઇલ ગટગટાવી લેતાં સ્થળ પર નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. ફરજ પર હાજર પોલીસે તુરંત અટકાવી 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.