પંખીઓને હેરાનગતિ ન થાય તે માટે ખાસ વ્યવસ્થા

સામાન્ય રીતે પેટ્રોલ પંપની આસપાસ ચા-નાસ્તાની દુકાનો કે સ્ટોલ જોવા મળતા હોય છે, પરંતુ ગોંડલના અમી પેટ્રોલ પંપ પર એક અનોખું પક્ષીઘર બનાવવામાં આવ્યું છે. પંપના માલિક યુવરાજસિંહ જાડેજાએ પોતાના પક્ષીપ્રેમ અને પેટ્રોલ ભરાવવા આવતા ગ્રાહકોના બાળકોના તેમજ ખુદ વાહનચાલકોની માનસિક તાણ ઓછી કરવા માટે એ ક અલગ જ પ્રકારની પહેલ કરી છે. અહીં પેટ્રોલ ભરાવવા જે આવે તેમને જે થોડી ઘણી રાહ જોવી પડે તેમને કંટાળો બિલકુલ ન આવે, કેમકે આસપાસમાંથી જાત જાતના પંખીઓનો કલબલાટ કાને પડે જ અને મનને શાતા મળે.

પંખીઓને ગરમીથી રક્ષણ આપવા ખાસ વ્યવસ્થા કરાઇ પક્ષીઓને રક્ષણ આપવા માટે અહીં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષીઓને નહાવા માટે પાંજરામાં ફોગર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી પક્ષીઘરના પડદા બંધ કરી દેવામાં આવે છે. ગરમી ન લાગે તે માટે આ સમય દરમિયાન કુલર ચાલુ કરવામાં આવે છે. ગરમીમાં પક્ષીઓના શરીરમાં ગ્લુકોઝ ઘટે નહીં અને તેમને નુકસાન ન થાય તે માટે તેમના પીવાના પાણીમાં ગ્લુકોઝ ભેળવવામાં આવે છે. પક્ષીઓના ખોરાકમાં સવારે રોજ અલગ-અલગ વસ્તુઓ આપવામાં આવે છે.

બે વર્ષથી અહીં પંખીઓનો કલરવ ગુંજે છે: યુવરાજસિંહ પંપના સંચાલક યુવરાજસિંહ જણાવે છે કે તેમને પોતાને પક્ષીઓનો ખૂબ શોખ છે. જ્યારે લોકો પેટ્રોલ પુરાવવા આવે ત્યારે તેમની સાથે રહેલા નાના બાળકોને ૫ થી ૭ મિનિટ માટે મનોરંજન મળે અને તેઓ આનંદિત થાય તે હેતુથી આ પક્ષીઘર બનાવવાનો વિચાર આવ્યો હતો. આ પ્રોજેક્ટ છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. જ્યારે વાલીઓ પેટ્રોલ પુરાવતા હોય છે, ત્યારે બાળકો પક્ષીઓને જોઈને ખુશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *