દુષ્કર્મ પીડિતાના કાકાના હત્યારા ઝડપાયા

રાજકોટના પડધરી તાલુકામાં દુષ્કર્મ અને પોક્સો કેસના ફરિયાદીની થયેલી હત્યા મામલે અંતે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. વર્ષ 2024માં દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ ફરાર હતા. આરોપીઓ સામે જે તે સમયે દુષ્કર્મ પીડિતાના કાકા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન બંને આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસ તેના સુધી પહોંચે તે પહેલા જ બંને આરોપીઓએ મળી થોડા દિવસ પૂર્વે દુષ્કર્મ અને પોક્સો કેસના ફરિયાદી યુવાન પર છરીના 9 ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી.

મૃતક દ્વારા પોતાના જીવને જોખમ હોવાની પોલીસને અરજી કરાયા બાદ પણ ફરિયાદીની હત્યા થઈ ગઈ હતી. બે વર્ષ સુધી દુષ્કર્મ અને પોક્સો કેસમાં ફરાર આરોપીઓ દ્વારા હત્યાનો ગુનો આચરતા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે સમગ્ર મામલાને ગંભીરતાથી લેતા ચાર પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. રેન્જ આઈજીના સપાટા બાદ દોડતી થયેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં વાહન લે-વેંચ અને સીઝીંગના વ્યવસાય સાથે સંકળાયેલા 40 વર્ષીય યુવક મૈત્રી કરારથી તેની સાથે રહેતી સ્ત્રી મિત્ર સાથે પોતાની કાર લઈ પોતાના પડધરી તાલુકામાં પોતાના ગામ જતા હતા.ત્યારે રસ્તામાં આરોપી મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજા નામના બે શખ્સોએ યુવકની હેરિયર કાર સાથે બ્રેઝા કાર અથડાવી છરીના આડેધડ 9 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટ્યા હતા જેને ઝડપી પાડવા માટે રેન્જ IG દ્વારા સૂચના આપવામાં આવતા SP વિજયસિંહ ગુર્જર દ્વારા ASP સિમરન ભારદ્વાજના સુપરવિઝન હેઠળ 3 પીઆઇ, 3 પીએસઆઈ સહીત 100 લોકોની ટીમ બનાવી આરોપીઓને પકડવા કામે લાગી હતી દરમિયાન ચોક્કસ બાતમીના આધારે આજે સવારે 3 વાગ્યા આસપાસ બન્ને આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસે સબ ઇન્સ્પેકટર એ બી જાડેજા ટીમને સફળતા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *