ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ધોરાજી ટાઉનહોલ ખાતે શ્રમ અને રોજગાર તથા રમતગમત અને યુવા બાબતોના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાના હસ્તે યોજી દેવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અને ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા સહિતના અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિમાં વિવિધ પ્રજાલક્ષી કામો જનતાના ચરણોમાં સમર્પિત કરાયા હતા.
આ અંતર્ગત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ચાપાતર, ગણેશપરા તથા સંજયનગર આઉટગ્રોથ વિસ્તારમાં સી.સી. રોડ, પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇટના પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ અંતર્ગત નગરપાલિકાની સુવિધાઓમાં વધારો કરવા માટે ખાસ સાધનો ફાળવવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા આયોજન કચેરી દ્વારા કેન્દ્રીય મંત્રીશ્રીની ગ્રાંટમાંથી ખરીદાયેલ અદ્યતન એમ્બ્યુલન્સને પ્રજાની સેવા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી.
આ સાથે જ ધોરાજીમાં ભુગર્ભ ગટરની નિયમિત સફાઈ માટે ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા ફાળવવામાં આવેલા આધુનિક ગ્રેબ બકેટ મશીન અને જેટીંગ મશીનનું પણ લોકાર્પણ કરાયું હતું. ટાઉનહોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ અગ્રણીઓ વિ. ડી. પટેલ, હરસુખભાઈ ટોપીયા સહિતના નેતાઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.