ફિલ્મી ઢબે અપહરણ કરી ખંડણી વસુલાઈ

રાજકોટના જંગલેશ્વરમાં સરકારી ક્વાર્ટસ અને હુડકો પોલીસ ચોકી નજીક ફિલ્મી ઢબે અપહરણ અને ખંડણી વસૂલવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખાનગી લોન કંપની બંધ થઈ જતાં તેમાં રોકેલા નાણાં ડૂબી જવાની અદાવતમાં, કંપનીના જ એક માજી કર્મચારી યુવકને ધોળા દિવસે આંતરી, છરીની અણીએ બંધક બનાવી તેના પિતા પાસે ફોન કરાવી લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

અરમાન ખોખરે નફાની લાલચે રોકાણ કર્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના તળાજા તાલુકાના દેવલી ગામમાં રહેતો 23 વર્ષીય પાર્થીવ ઝીંઝાળા અગાઉ રાજકોટમાં ‘આઈ.એમ.એસ. લોન’ નામની કંપનીમાં નોકરી કરતા હતા. આ કંપનીમાં આ કેસના મુખ્ય આરોપી અરમાન ખોખરે વ્યાજ કે નફાની લાલચે પોતાની મૂડીનું રોકાણ કર્યું હતું. જો કે, કોઈ કારણોસર આ લોન કંપની અચાનક જ સમેટાઈ ગઈ અને બંધ થઈ ગઈ હતી. કંપની બંધ થતાં જ આરોપી અરમાન ખોખરના રોકેલા તમામ રૂપિયા ડૂબી ગયા હતા. અરમાન એવું માનતો હતો કે કંપનીમાં પોતે રોકેલા રૂપિયા પાર્થીવના કારણે જ ડૂબ્યા છે, તેથી તે ગમે તેમ પાર્થીવ પાસેથી પોતાના નાણાં વસૂલ કરવા માટેનો પ્લાન ઘડી રહ્યો હતો.

પાર્થિવભાઈ પાસેથી ઉઘરાણી શરૂ કરી હતી આ દરમિયાન 8 મે, 2026ની સાંજે પાર્થીવ જંગલેશ્વર વિસ્તારમાં ક્વાર્ટસ પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે ભક્તિનગર પોલીસ સ્ટેશનથી આશરે 2 કિલોમીટર દૂર છે. સાડા સાત વાગ્યાની આસપાસ, મુખ્ય આરોપી અરમાન ખોખર, તેની સાથે આફતાબ ઉર્ફે કેકડો, વિશ્વજીત, અકીબ અને અન્ય બે અજાણ્યા શખસો મળી 6 શખસની ટોળકી ત્યાં ધસી આવી હતી. આ ટોળકીએ પાર્થીવભાઈને ચારેય તરફથી ઘેરી લીધા અને ડૂબી ગયેલા પૈસાની ઉઘરાણી શરૂ કરી દીધી હતી. પાર્થીવભાઈએ લાચારી વ્યક્ત કરતા કહ્યું કે કંપની બંધ થવામાં તેમનો કોઈ વાંક નથી અને તેઓ પૈસા આપી શકે તેમ નથી.

આરોપીઓ પાર્થીવને બંધક બનાવી આતંક મચાવ્યો પાર્થીવએ ના પાડતા તમામ આરોપીઓ એકસંપ થઈને ઉશ્કેરાઈ ગયા હતા. જાહેરમાં જ પાર્થીવભાઈને ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. આટલેથી ન અટકતા મુખ્ય આરોપી આફતાબ ઉર્ફે કેકડોએ પોતાની કમરમાંથી ધારદાર છરી કાઢીને યુવકની છાતીએ લગાવી હતી. અચાનક છરી જોઈને પાર્થીવનો જીવ તાળવે ચોંટી ગયો હતો. જેનો લાભ લઈને આરોપીઓએ તેને ત્યાં જ બંધક બનાવી લીધો હતો. અને રાતના સાડા અગિયાર સુધી, એટલે કે સતત ચાર કલાક આતંક મચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *