રાજકોટ મનપાનો અંધેર વહીવટ! અરજદારો આવે તે શાખાઓ પંખાના સહારે

રાજકોટમાં હાલ અસહ્ય ગરમી અને અગનભઠ્ઠા જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે, જેમાં તાપમાનનો પારો આસમાને પહોંચતા સામાન્ય જનજીવન તોબા પોકારી ગયું છે. આવા આકરા ઉનાળામાં સામાન્ય નાગરિકોની સાથે રાજકોટ મહાનગરપાલિકાની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓની હાલત પણ અત્યંત દયનીય બની ગઈ છે.

મનપામાં અંધેર વહીવટ ચાલતો હોય તેમ જ્યાં અરજદારો આવે છે તે સિવિક સેન્ટર, વેરા વિભાગ અને એસ્ટેટ શાખા પંખાના સહારે છે. અને અમુક ચોક્કસ વિભાગ તેમજ સાહેબો માટે જ એસીની સુવિધા રાખવામાં આવી છે. જેને લઈ અમુક વિભાગમાં કર્મચારીઓએ સ્વખર્ચે એરકુલર-સ્પ્રિંકલર મુકવા માટે મજબૂર બન્યા છે.

કર્મચારીઓએ એરકુલર-સ્પ્રિંકલર પોતાના જ ખર્ચે વસાવવા પડ્યા પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના 164 કિલોમીટરના વિસ્તારની 20 લાખની જનતાને ગરમીથી રાહત આપવા માટે ગણીગાંઠી જગ્યાઓ પર ગ્રીન નેટ અને સ્પ્રિંકલર ફૂવારા લગાવવામાં આવ્યા છે. અને શહેરીજનોને ગરમીમાં રાહત આપ્યાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે મહાપાલિકા પોતાના જ કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. કચેરીઓમાં એરકન્ડિશનની સુવિધા ન મળતાં આખરે સ્પ્રિંકલર ફૂવારા અને એરકુલર કર્મચારીઓએ પોતાના જ ખર્ચે વસાવવા પડ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *