સફેદ સોનુ બની ગયેલ ચાંદીના મોટા વ્યવહારોના કારણે રાજકોટ ચર્ચામાં આવ્યું છે. 17મીની વહેલી સવારે હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ આઈબીના ઇનપુટ આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી ગુજરાત ATSએ 5 કરોડની કિંમતની 180 કિલો ચાંદી ઝડપી પાડ્યું હતું.
આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર 3 જેટલા વેપારીની પુછપરછ શરૂ કરવામાં આવી છે.
તો બીજી તરફ બપોરના 12 વાગ્યા આસપાસ સ્ટેટ જીએસટીએ અમદાવાદથી રાજકોટ જતા 100 કિલો ચાંદી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ ચાંદીનું એરપોર્ટ પર પકડાયેલા ચાંદીના જથ્થા સાથે કોઈ કનેક્શન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આમ 12 કલાકમાં 280 કિલો ચાંદી ઝડપી લેવામાં આવ્યું છે.
ગીતા મંદિરથી રાજકોટ જતા એક વ્યક્તિને ઝડપી લેવાયો ગીતા મંદિરથી લકઝરી બસમાં રાજકોટ જઈ રહેલા એક વ્યક્તિ પાસેથી આ ચાંદીનો જથ્થો મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં 80 ટકા જથ્થાનો કોઈ બિલ કે અન્ય કઈ વસ્તુ નથી અથવા તો કોઈએ દાવો કર્યો નથી. હાલ સ્ટેટ GST એ આ જથ્થો કબજે લઇને વધુ તપાસ હાથ ધરી છે.