જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ નોંધાયો છે. આના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને ડોડિયાળા ગામમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને અનેક જગ્યાએ વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા.
આ વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વરસાદ ખેતી માટે અત્યંત લાભદાયી સાબિત થઈ રહ્યો છે. પાકને પાણી મળતા ખેડૂતોને રાહત થઈ છે.
જોકે, કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડોડિયાળા ઉપરાંત દોલતપર, મેઘપર, વેરાવળ (બીલડી) અને સાંણથલી સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો છે.
સતત વરસાદને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે અને વાતાવરણ ખુશનુમા બન્યું છે.