ધોરાજીમાં ભારે વરસાદ, સપૂરા નદીમાં પૂર આવ્યું

ધોરાજી શહેરમાં ભારે વરસાદને કારણે સપૂરા નદીમાં પૂર આવ્યું છે. આ પૂરના કારણે પંચનાથ મંદિર તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.

શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે સપૂરા નદીમાં નવા નીરની નોંધપાત્ર આવક થઈ અને પાણીનો પ્રવાહ તેજ બન્યો.

નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે.

નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. સપૂરા નદીમાં નવા નીર જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, પરંતુ તંત્રએ તેમને જોખમ ન લેવા અને સુરક્ષિત અંતર જાળવવા જણાવ્યું હતું. સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. તંત્ર હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *