ગોંડલ તાલુકાના દેવચડી ગામે ખેતરમાં વીજ કરંટ લાગવાથી મધ્યપ્રદેશના એક શ્રમિકનું મોત થયું છે. પત્નીને બચાવવા જતા પતિ કરંટની ઝપેટમાં આવી ગયા હતા, જ્યારે પુત્રની સમયસૂચકતાથી માતાનો જીવ બચી ગયો હતો.
મળતી માહિતી મુજબ, દેવચડી ગામની સીમમાં પંકજભાઈ પરષોત્તમભાઈ ધોણીયાની વાડીએ કપાસના બીજ સોંપ્યા બાદ શ્રમિક પરિવાર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન વાડીમાં મજૂરી કામ કરતા મંથલીબેન નામની મહિલા બાજુની વાડીના માલિક મનહરસિંહ રઘુભા ચુડાસમાની વાડીએ ધાર્યું લેવા જઈ રહ્યા હતા. વાડીની ફરતે બાંધેલી તારની ફેન્સિંગ લાઇન નીચેથી પસાર થતા પાવર કેબલમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે કરંટ ઉતર્યો હતો. આ લોખંડના તારને અડકી જતાં મંથલીબેનને વીજ આંચકો લાગ્યો હતો અને તેઓ ત્યાં જ ચોંટી ગયા હતા.
પત્નીને શોર્ટ લાગતા જોઈ સ્થળ પર હાજર તેમના પતિ કૈલાસભાઈ સખીયાભાઈ ખરતે (આશરે 35 વર્ષ) તાત્કાલિક તેમને બચાવવા માટે દોડી ગયા હતા. પરંતુ કમનસીબે પત્નીને પકડવા જતા કૈલાસભાઈ પણ કરંટની ઝપેટમાં આવી ગયા હતા. ત્યાં હાજર તેમના નાના દીકરા વીરેને સમયસૂચકતા વાપરી બાજુમાંથી લાકડી જેવી વસ્તુ ઉઠાવીને માતા મંથલીબેનને ફટકારતા તેઓ કરંટની પકડમાંથી મુક્ત થઈ ગયા હતા અને તેમનો જીવ બચી ગયો હતો. જોકે, પિતા કૈલાસભાઈને ગંભીર કરંટ લાગી જતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.